અમદાવાદથી માત્ર થોડા કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા છે ધરતી ઉપરનું સ્વર્ગ, લીલીછમ પ્રકૃતિ અને નયનરમ્ય ધોધ જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા, જુઓ

ગુજરાતમાં જ છે મીની કાશ્મીર…..વરસાદની મૌસમમાં આ જગ્યાએ એક વાર જઈ આવો, સાક્ષાત સ્વર્ગમાં આવી ગયા હોય એવું ફીલ થશે

ચોમાસાની સીઝનમાં ફરવાનો એક અલગ જ આનંદ હોય છે, આ સમયે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને આવા સમયે ઝરણાઓ પાસે ફરવા જવાનો આનંદ જ રૂડો હોય છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં ફરવા માટે લોકો જાય છે, પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા બતાવીશું જે ગુજરાતના કાશ્મીર જેવું છે.

અમે વાત કરી રહ્યા છીએ ભિલોડા તાલુકામાં આવેલા નયનરમ્ય ધોધની. જ્યાં ગામની નજીક ધરતી માતાના મંદિર પાસે આવેલો ધોધ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ચોમાસામાં સારો એવો વરસાદ વરસવાના કારણે આ ધોધ જીવંત બન્યો છે અને આસપાસ લીલીછમ પ્રકૃતિ અને નયનરમ્ય ધોધ જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે.

આ ધોધ જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે અને અહીંયા આવી પ્રકૃતિના સાનિધ્યમાં એક અનેરો આનંદ પણ માણી રહ્યા છે. ઉપરવાસમાં થયેલા આ સારા એવા વરસાદના કારણે સુંસાર ધોધ જીવંત બન્યો છે. છેલ્લા ઘણા સમયથી આ ધોધ ઉપરથી પાણી નહોતું આવતું, પરંતુ આ વર્ષે સારા એવા વરસાદના કારણે ધોધનો નજારો આહલાદક બન્યો છે.

સ્થાનિક લોકો પણ આ ધોધને વહેતો જોઈને આનંદમાં આવી ગયા છે અને મોટી સંખ્યામાં ત્યાંનો નજારો માણવા માટે પહોંચી રહ્યા છે. સ્થાનિકોને આ વર્ષે આશા છે કે આ ધોધ ઘણા લાંબા સમય સુધી વહેતો રહેશે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અને નજીકના જિલ્લામાંથી પણ આ ધોધ જોવા માટે લોકો આવી રહ્યા છે.

અમદાવાદથી આ ધોધ માટે 119 કિલોમીટરના અંતરે આવેલો છે. જ્યાં તમે વાયા હિંમતનગર થઈને પહોંચી શકો છો. તો વડોદરાથી આ ધોધનું અંતર 239 કિલોમીટર છે. જ્યાં પહોંચવા માટે તમે વાયા લુણાવાડા અથવા તો વાયા અમદાવાદ થઈને પણ આવી શકો છો. સેલ્ફી લેવા અને વીડિયો બનાવવાના શોખીનો માટે આ સ્થળ ખુબ જ આકર્ષક છે.

Niraj Patel