યુવરાજ સિંહની વધી મુશ્કેલીઓ, પોલીસ કોન્સ્ટેબલને ગાડીના બોનેટ ઉપર ચઢાવીને કર્યું એવું કે.. વાયરલ થયો વીડિયો

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર થતી ગેરરીતિ વિરુદ્ધ આક્ષેપો કરનારા યુવાનેતા યુવરાજ સિંહ જાડેજાની હાલમાં મુશ્કેલીઓ વધી છે, તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે. યુવરાજ સિંહ ઉપર ગાંધીનગર પોલીસ હેડક્વાટર્સમાં પોલીસ સાથે ઘર્ષણ કરી અને એક પોલીકર્મી ઉપર કાર ચઢાવી દેવાનો આરોપ છે.

સોશિયલ મીડિયા ઉપર યુવરાજ સિંહનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે યુવરાજ સિંહ ગાડી લઈને આગળ વધી રહ્યા છે ત્યારે જ એક પોલીસકર્મી આવે છે અને તેના ઉપર તે કાર ચઢાવી દે છે, જેના બાદ થોડી સેકેંડ સુધી પોલીસકર્મી બોનેટ ઉપર જ જોવા મળે છે અને કાર પણ ચાલતી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેન્જ આઇજી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે યુવરાજ સિંહ પાસેથી મળેલી તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે.

ત્યારે યુવરાજ સિંહની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. યુવરાજ સિંહના સમર્થકો કોર્ટ ખાતે ઉમટી ના પડે તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.આ મામલામાં ગાંધીનગરના એસપી મયુર ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે.

ગાંધીનગર એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે “રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહને અટકાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”

Niraj Patel