હીરો, હીરોઇન અને મર્ડર…! એક્ટ્રેસને કર્યો એક મેસેજ અને પછી કિડનેપિંગથી લઇને ટોર્ચર અને હત્યા સુધી….સાઉથના ફિલ્મ સ્ટારની સાજિશોની આવી રીતે ખુલી પોલ
જ્યારે પણ કોઈ ફિલ્મમાં ભૂમિકા ભજવી ત્યારે સત્યની સાથે જોવા મળ્યો, ગરીબો અને પીડિતોનો અવાજ બુલંદ કર્યો. પરંતુ હવે જ્યારે વાસ્તવમાં તેના ચહેરા પરથી માસ્ક ઉતરી ગયો છે, ત્યારે તેના પર પીડિતાને નિર્દયતાથી મારવાનો આરોપ છે, હા, આ એક એવા સુપરસ્ટારની ફિલ્મી વાર્તા છે જેને પોલીસ દ્વારા એક યુવકની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મામલો બેંગલુરુનો છે. અને આ ફિલ્મસ્ટારનું નામ છે દર્શન થૂગુદીપ. હવે સવાલ એ છે કે રીલ હીરો રીયલ લાઈફનો વિલન કેવી રીતે બન્યો ?
છેલ્લા કેટલાક કલાકોથી કન્નડ ફિલ્મના સુપરસ્ટાર દર્શન અને લોકપ્રિય હિરોઈન પવિત્રા ગૌડા ચર્ચામાં છે, બંનેના જીવનમાં એક વિચિત્ર યુ ટર્ન ત્યારે આવ્યો જ્યારે બંનેનું નામ હત્યા કેસમાં આવ્યુ. એપોલો ફાર્મસીની શાખામાં ફાર્માસિસ્ટ તરીકે કામ કરતા રેણુકા સ્વામી નામના 33 વર્ષના યુવાનની હત્યા કથિત રીતે દર્શન અને તેની ગર્લફ્રેન્ડ પવિત્રા ગૌડા દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાઇ રહ્યુ છે.
જો રેણુકા સ્વામીના જીવનની તુલના દર્શન અને પવિત્રાની જીવનશૈલી સાથે કરવામાં આવે તો ક્યાય મેળ નથી ખાતો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે દર્શન અને પવિત્રા જેવા મોટા લોકોને રેણુકા સ્વામી સાથે એવી તો કઈ દુશ્મની હતી કે તેઓએ રેણુકાની હત્યા કરી નાખી. આ ભયંકર અને હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી બેંગલુરુમાં શરૂ થઈ હતી. આ પછી પોલિસ પહોંચી અને કાર્યવાહી શરૂ કરી.
પોલીસે આ યુવકની ઓળખ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. આજુબાજુના વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી, આ પ્રયાસમાં પોલીસને ખબર પડી કે ચિત્રદુર્ગમાં એક મહિલાએ તેના યુવાન પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. આ પછી પોલીસે રિપોર્ટમાં આપેલી માહિતી સાથે મૃતક વ્યક્તિના દેખાવની ઓળખ ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ. પોલીસે જે પરિવારનો પુત્ર ગુમ હતો તેનો સંપર્ક કર્યો.
આ પછી સામે આવ્યું કે મૃતક રેણુકા સ્વામી છે, જે ફાર્મસીમાં કામ કરતો હતો. આ કહાનીમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ત્રણ લોકો અચાનક કામાક્ષીપાલ્યા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતાને રેણુકાના હત્યારા હોવાનો ખુલાસો કર્યો. ત્રણેયે કહ્યું કે તેઓનો રેણુકા સ્વામી સાથે પૈસાને લઈને વિવાદ થયો હતો, જેના કારણે તેઓએ રેણુકાની હત્યા કરી હતી. પોલીસને પણ નવાઈ લાગી.
સવાલ એ હતો કે હત્યા કર્યા બાદ પોલીસથી છુપાઈને નાસી છૂટવાનો પ્રયાસ કરનારા હત્યારાઓ પોલીસ સ્ટેશનમાં આટલી સરળતાથી શરણે કેમ થઈ ગયા ? અને પોતાનો ગુનો કબૂલ્યો કેમ…આ ઉપરાંત તેઓએ પૂછ્યા વગર હત્યાનું કારણ પણ આપી દીધું. દેખીતી રીતે આ મામલો કંઈક અંશે જટિલ હતો. નવાઈની વાત એ હતી કે અત્યાર સુધી આ મામલે ક્યાંય ફિલ્મ સ્ટાર દર્શન અને અભિનેત્રી પવિત્રાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
પરંતુ પોલીસે ત્રણેયની કડક પૂછપરછ કરી અને ઉલટ પૂછપરછ કરી ત્યારે અલગ જ કહાની બહાર આવી. પોલીસના જણાવ્યા અનુસાર, એક સ્ટોરી હતી જેમાં દર્શન અને પવિત્રાના નામ હતા. ધરપકડ કરાયેલા લોકોએ જણાવ્યું કે, તેમણે અભિનેતા દર્શનના કહેવા પર જ ફાર્માસિસ્ટ રેણુકા સ્વામીની હત્યા કરી હતી. અને માત્ર દર્શન જ નહીં પરંતુ તેના સિવાય અન્ય છ લોકો પણ આ હત્યામાં સામેલ છે.
દર્શનના કહેવા પર કોઈએ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો, કોઈએ અપહરણ કર્યું, કોઈએ તેના પર અત્યાચાર કર્યો, તો કોઈએ તેનો જીવ લીધો. જ્યારે પોલીસે તપાસ આગળ ધપાવી તો સામે આવ્યું કે રેણુકા સ્વામીની હત્યાનું પ્લાનિંગ અભિનેતા દર્શને કર્યું હતું. 8 જૂને મૃતકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. રીપોર્ટ્સ અનુસાર, રેણુકાના અપહરણ બાદ પહેલા તેને મૈસુરમાં દર્શનના ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યો અને દર્શનની સામે કલાકો સુધી તેને ટોર્ચર કરવામાં આવ્યો.
આ પછી હત્યારાઓ રેણુકા સ્વામીને મૈસૂરથી બેંગલુરુના કામાક્ષીપાલ્યા વિસ્તારમાં લઈ ગયા, જ્યાં તેને એક શેડમાં રાખવામાં આવ્યો. આ શેડમાં પણ તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને અંતે તેને મારી નખાયો, ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે હત્યારાઓએ રેણુકા સ્વામીની લાશને કામાક્ષીપાલ્યાના જ નાળામાં ફેંકી દીધી અને ભાગી ગયા. હવે એ જણાવીએ કે આ હત્યા સાથે દર્શનની મિત્ર અને કથિત રીતે ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ પવિત્રા ગૌડાનું શું કનેક્શન છે ? અને સૌથી મહત્વની વાત એ છે કે રેણુકાનો જીવ લેનારા હત્યારાઓએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરીને હત્યાની કબૂલાત કેમ કરી ?
રેણુકા સ્વામીએ પવિત્રા ગૌડાના નામે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ અને પવિત્રા ગૌડાને મોકલેલા કેટલાક મેસેજ આ હત્યાનું કારણ બન્યા હતા. રીપોર્ટ્સ અનુસાર, ચિત્રદુર્ગના રહેવાસી રેણુકા સ્વામીએ થોડા દિવસો પહેલા પવિત્રા ગૌડા વિશે સોશિયલ મીડિયા પર કેટલીક વાંધાજનક વાતો લખી હતી. એટલું જ નહીં, તેણે પવિત્રા ગૌડાને કથિત રીતે આવા કેટલાક અભદ્ર મેસેજ પણ મોકલ્યા હતા.આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેના કેટલાક ફેન્સે દર્શનને આ અંગે જાણ કરી અને આ મેસેજ જોયા બાદ દર્શન ગુસ્સે થઈ ગયો.
આ પછી રચાયુ રેણુકા સ્વામીની હત્યાનું કાવતરુ. તેણે રાઘવેન્દ્ર નામના વ્યક્તિ સાથે વાત કરી જે બેંગલુરુમાં તેની ફેન્સ ક્લબ ચલાવે છે. તેણે તેના કેટલાક પરિચિતોને સાથે લીધા અને રેણુકા સ્વામીની હત્યાનો આદેશ આપ્યો. આ પછી હત્યારાઓએ આ ઘટનાને અંજામ આપ્યો. રીપોર્ટ અનુસાર, પ્લાનિંગ એવું હતું કે જો હત્યાનો કેસ ખૂલે તો ત્રણેય હત્યાની કબૂલાત કરે અને સમગ્ર દોષ પોતાના માથે લે…જેથી દર્શન અને પવિત્રા શંકાના દાયરામાંથી બહાર નીકળી જાય.
પોલીસે આ હત્યા કેસમાં સંડોવાયેલા 9 લોકોની સાથે દર્શન અને પવિત્રાની ધરપકડ કરી છે, જ્યારે વધુ કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. એવું સામે આવ્યુ છે કે દર્શને ભાડૂતી હત્યારા દ્વારા રેણુકાસ્વામીની હત્યા કરાવ્યાં પછી મર્ડરનો આરોપ પોતાના પર ન આવે એટલે ત્રણ માણસોને 15 લાખમાં તૈયાર કર્યાં હતા.ચંદનના લાકડાનો બિઝનેસ કરવા ઉપરાંત દર્શન કન્નડ ફિલ્મોનો સુપરસ્ટાર પણ છે.
જો કે દર્શન પહેલાથી જ પરિણીત હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી પવિત્રા સાથેની તેની નિકટતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એટલું જ નહીં, જ્યારે પવિત્રાએ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની ખુલ્લેઆમ જાહેરાત કરવાનું શરૂ કર્યું, જ્યારે ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું. આ દરમિયાન દર્શનનો તેની પહેલી પત્ની સાથે વિવાદ શરૂ થયો.
Famous Kannada actor Darshan Thoogudeepa & Actress Pavithra Gowda arrested in connection with a murder case of their fan.
The body of victim Renuka Swamy was found in a Bengaluru drain on June 9.
Police seize cars used in the murder, including a Jeep belonging to Darshan. pic.twitter.com/Yo8P7QIN2W
— Toofan – Balakrishna- Journalist (@Toofandaily) June 13, 2024
આ મામલો કાયદાના સ્તરે પણ પહોંચી ગયો હતો. આ પહેલા એક ફિલ્મ ક્રાંતિના પ્રમોશન દરમિયાન, દર્શને હિંદુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભીડમાં દર્શન પર એક વખત ચપ્પલ પણ ફેંકવામાં આવ્યું હતું.પવિત્રા ગૌડા તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાને ‘ફેશન ડિઝાઇનર, મોડલ, કલાકાર અને બુટિકના મેનેજિંગ ડિરેક્ટર’ તરીકે વર્ણવે છે.
View this post on Instagram