હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો ને હસતાં હસતાં ઢળી પડ્યો, એમ્બ્યુલન્સમાં મિત્રના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા
Vadodara Heart Attack News : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે અને નાની ઉંમરના વિદ્યાર્થીઓ અને યુવાઓ પણ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ ખબર આવી કે વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 18 વર્ષિય દીપ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયુ. દીપ મિત્રો સાથે વાત કરતી વખતે હસતાં હસતાં ઢળી પડ્યો હતો,
જે પછી હાફળાફાફળા બનેલા મિત્રોએ દીપને હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવી, પણ રસ્તામાં જ દીપે મિત્રના ખોળામાં અંતિમ શ્વાસ લીધા. ત્યારે આ ઘટનાને પગલે પરિવાર સહિત વિદ્યાર્થી મિત્રોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું. દીપને વિદેશ ભણવા મોકલવાના સપનાં પિતાનાં હતાં. પણ આવી રીતે અકાળે દીકરાનું મોત થતાં પિતાનાં સપનાં ચકનાચુર થઈ ગયાં. દીપ તેના પરિવારનો એકનો એક દીકરો હતો અને આ ઘટના બાદથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
મૃતક 18 વર્ષીય દીપ મૂળ પાટણનો રહેવાસી હતો અને તે ગત રાત્રે તેના મિત્રો સાથે છોલે ભટુરે ખાઈને બોય્ઝ હોસ્ટેલના કનૈયાલાલ મુનશી હોલમાં મિત્રોને મળવા ગયો હતો. આ દરમિયાન તે હોસ્ટેલ રૂમમાં મિત્રો જોડે હસી-મજાકની વાતો કરી રહ્યો હતો અને આ જ સમયે તેને છાતીમાં દુખાવો ઉપડતા તે જમીન પર ઢળી પડ્યો. તે પછી તેના મિત્રોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પણ એ પહેલા જ દીપે રસ્તામાં તેના પ્રાણ છોડી દીધા.
જે પછી સયાજી હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં જ ડિપાર્ટમેન્ટના ડીન તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા અને વિદ્યાર્થીના પિતા સહિત પરિવારજનો પણ આવી પહોંચ્યાં હતાં. જો કે, હાલ તો એવું કહેવાઇ રહ્યુ છે કે વધુ માહિતી પીએમ રિપોર્ટમાં બહાર આવશે. જણાવી દઇએ કે, જીપ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને સીધો સાદો તેમજ ડાહ્યો છોકરો હતો.
મૃતકના મિત્ર તેજસ સોલંકીએ જણાવ્યું કે, મારા નાના ભાઈ સમાન મારા મિત્ર દીપ ચૌધરીનું અવસાન થયું અને અમે ખૂબ જ દુઃખી છીએ. તેણે વધુમાં કહ્યુ કે- ગઇકાલે રાત્રે તે મિત્રોને મળવા આવ્યો હતો અને અચાનક ઢળી પડ્યો અને પછી તેનું દુઃખદ અવસાન થઇ ગયું. હું એમ્બ્યુલન્સમાં તેની સાથે જ હતો અને રસ્તામાં જ તેનું મોત થયું હતું.