પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે સાંઈબાબા ઉપર પણ ઉઠાવ્યા સવાલ, કહ્યું, “એ સંત હોઈ શકે… ફકીર હોઈ શકે.. પણ ભગવાન નહિ..” જાણો સમગ્ર મામલો

સાંઈબાબા પર વિવાદિત નિવેદન આપવાના લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ લોકોમાં ફૂટ્યો ગુસ્સો, માફી માંગવાની કરી માંગ, જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ચર્ચામાં રહે છે. તેમના દરબારમાં પોતાની ફરિયાદ લઈને આવેલા વ્યક્તિની તકલીફને તેના બોલ્યા પહેલા જ ચિઠ્ઠીમાં લખી દેવાની વાતને લઈને તે અનેક વખત ચર્ચામાં પણ આવી ગયા છે, સાથે જ તેમના દ્વારા કરવામાં આવેલા ઘણા વિવાદોને લઈને પણ તે ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હાલમાં જ તેઓ એક નવા વિવાદમાં પણ સપડાયા છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જ્યારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે સાંઈ બાબાની પૂજા કરવી જોઈએ કે નહીં? તેમણે કહ્યું કે શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નથી બની શકતો. તેઓએ સાંઈબાબાને ભગવાન તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.

જબલપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની શ્રીમદ ભાગવત કથાના છેલ્લા દિવસે બાગેશ્વર સરકારનો લોકો સાથે સંવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક સવાલના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈબાબાને ભગવાન તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આપણા ધર્મના શંકરાચાર્યએ સાંઈ બાબાને દેવતાનો દરજ્જો આપ્યો નથી, અને શંકરાચાર્યનું પાલન કરવું ફરજિયાત છે. તેમનો મુદ્દો દરેક સનાતનીનો ધર્મ છે, કારણ કે તે ધર્મના પ્રધાન છે. કોઈપણ સંત ભલે આપણા ધર્મના હોય, પણ તે ભગવાન ન હોઈ શકે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે કોઈ પણ સંત હોય, તે ગોસ્વામી તુલસીદાસ હોય કે સૂરદાસ હોય, બધા સંત છે. કેટલાક મહાપુરુષો છે, કેટલાક યુગપુરુષ છે, કેટલાક કલ્પપુરુષ છે, પણ ભગવાન આમાંથી કોઈ નથી. આપણે કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકીએ પરંતુ કહી શકીએ કે સાંઈબાબા સંત-ફકીર હોઈ શકે, ભગવાન ન હોઈ શકે.

મહારાષ્ટ્રમાં સાંઈબાબાના ભક્તોની સંખ્યા ઘણી વધારે છે. આવી સ્થિતિમાં બાગેશ્વર બાબાના નિવેદનથી સાંઈ ભક્તોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ નિવેદન પર શિરડી સહિત સમગ્ર રાજ્યમાંથી તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. બાગેશ્વર બાબાના નિવેદનની રાજકીય નેતાઓએ પણ આકરી ટીકા કરી છે. શિરડી ગ્રામજનો અને સાંઈ ભક્તોએ ધીરેન્દ્ર શાસ્ત્રી માફી માંગે તેવી પણ માંગ કરી છે.

Niraj Patel