2021 ટી-20 વર્લ્ડકપ બાદ વરુણ ચક્રવર્તીને મળી હતી ધમકી : 3 મેચમાં નહોતી લીધી વિકેટ, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રહ્યો ભારતનો ટોપ વિકેટટેકર
મને ભારત પહોંચ્યા પહેલા જ ધમકી ભરેલા કોલ્સ આવવા લાગ્યા…વરુણ ચક્રવર્તીએ કર્યો હેરાન કરનારો ખુલાસો
જો ભારત આવ્યો તો…ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના હિરો રહેલા વરુણ ચક્રવર્તીને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી, પોતે સંભળાવી દાસ્તાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાના બોલથી મેચ પલટી નાખનાર વરુણ ચક્રવર્તીએ તાજેતરમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં, વરુણ કહે છે કે જ્યારે 2021માં T20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન સારું નહોતું, ત્યારે તેને ધમકીભર્યા ફોન આવ્યા હતા. વરુણે કહ્યું કે ટીમ ઈન્ડિયાની સફર વહેલી સમાપ્ત થઈ ગઈ અને તેને લાગ્યું કે કદાચ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. વરુણનું T20 ડેબ્યૂ જુલાઈ 2021ૃમાં શ્રીલંકા સામેની સીરીઝમાં થયું હતું. ત્યારબાદ વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની T20 વર્લ્ડ કપ માટે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી.

ત્યારબાદ વરુણે તે ટુર્નામેન્ટ દરમિયાન કુલ 3 મેચ રમી, પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નહીં. વરુણ તે સમયે દુબઈમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી ગયેલી ભારતીય ટીમનો પણ સભ્ય હતો. જે કોઈપણ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો પ્રથમ પરાજય હતો. વરુણે એક યુટ્યુબ શોમાં પ્રખ્યાત એન્કર ગોબીનાથને કહ્યું- આ મારા માટે ખરાબ સમય હતો. હું હતાશ હતો કારણ કે મને લાગ્યું કે હું વર્લ્ડ કપ માટે પસંદગી પામવા સાથે ન્યાય કરી શક્યો નથી.

મને દુઃખ હતું કે હું એક પણ વિકેટ ન લઈ શક્યો. તે પછી મને ત્રણ વર્ષ સુધી પસંદ કરવામાં આવ્યો નહોતો, તેથી મને લાગે છે કે ટીમમાં પાછા ફરવું મારા ડેબ્યૂ કરતાં ઘણું મુશ્કેલ હતું. મારે મારા વિશે (2021 પછી) ઘણી બધી બાબતો બદલવી પડી. મારે મારી દિનચર્યા અને પ્રેક્ટિસ બદલવી પડી. પહેલા હું એક સત્રમાં 50 બોલ પ્રેક્ટિસ કરતો હતો, મેં તેને બમણું કર્યું. પસંદગીકારો મને પાછો બોલાવશે કે નહીં તે જાણવું મુશ્કેલ હતું. ત્રીજા વર્ષ પછી મને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. અમે IPL જીતી ગયા અને પછી મને ફોન આવ્યો. તે પછી હું ખૂબ ખુશ હતો.

વરુણે કહ્યું- 2021 વર્લ્ડ કપ પછી મને ધમકીભર્યા ફોન આવ્યા. મને ભારત ન આવવાનું કહેવામાં આવ્યું. લોકો મને શોધતા મારા ઘરે આવતા- મારે ઘણી વાર છુપાઈ જવું પડ્યું. જ્યારે હું એરપોર્ટથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકો તેમની બાઇક પર મારો પીછો કરી રહ્યા હતા. ગયા વર્ષે KKR સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વિજયી ઝુંબેશ દરમિયાન ત્રણ વર્ષના અંતરાલ પછી વરુણે ઓક્ટોબર 2024 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી. વરુણ તેની વાપસી પછી શાનદાર ફોર્મમાં છે, અને T20 માં તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું છે.

દુબઈમાં ત્રણ મેચમાં નવ વિકેટ લીધી, જેમાં ન્યુઝીલેન્ડ સામેની ગ્રુપ-સ્ટેજ મેચમાં પાંચ વિકેટનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં વરુણે ટ્રેવિસ હેડની મહત્વપૂર્ણ વિકેટ લીધી અને ભારતને મેચ જીતવામાં મદદ કરી. તેણે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે બે વિકેટ લીધી અને રોહિત શર્માની ટીમે રવિવારે (9 માર્ચ) ટ્રોફી જીતી.