હોળી પહેલા કપાસિયા અને સીંગતેલના ભાવમાં ભડકો, તેલના ભાવમાં તોતિંગ વધારો – જાણો નવી કિંમત
મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે, હજુ તો થોડા દિવસો પહેલા જ તેલના ભાવમાં વધારો ઝિંકાયો હતો અને વધુ એક વખત તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર ભારે અસર થશે. હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારો થયો છે.
સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2740થી વધીને 2840 રૂપિયા, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640થી વધીને 1740 રૂપિયા થયો છે. રાજકોટ સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે.
જણાવી દઇએ કે, તાજેતરમાં જ સીંગતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને કપાસિયા તેલમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખ્યો હોવાનું અનુમાન છે. હોળીના તહેવાર પહેલા જ લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે.