ગુજ્જુભાઈએ ટર્કીમાં થયેલા અનુભવને શેર કરતા કહ્યું, “ટિકિટ લેવી હતી, છુટ્ટા મળતા નહતા, એક છોકરાને પૈસા આપ્યા અને પછી એ ભાગ્યો….” જુઓ વીડિયો

ગુજરાતીથી લઈને હિન્દી ફિલ્મોમાં પણ ધમાલ મચાવનારા આપણા ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાએ શેર કર્યો પોતાનો ટર્કીનો અનુભવ, વીડિયોમાં કહી એવી વાત કે સાંભળીને ચાહકો પણ રહી ગયા હેરાન.. જુઓ વીડિયો

Siddharth Randeria Turkey Experience : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ આજે વિશ્વભરમાં પ્રખ્યાત થઇ ગયું છે. ઘણી એવી એવી ફિલ્મો આવી છે જેને ઓસ્કર સુધી પણ પોતાના નામનો ડંકો વગાડ્યો છે. ત્યારે ગુજરાતી કલાકારોની ખ્યાતિ પણ હવે દેશ વિદેશમાં વકરી છે. એવા જ એક અભિનેતા છે સિદ્ધાર્થ રાંદેરિયા. જેમને ગુજરાતીઓ ગુજ્જુભાઈના હુલામણા નામ સાથે પણ બોલાવે છે. ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં એક મોટું નામ બનાવી ચુક્યા છે.

સિદ્ધાર્થ રાંદેરિયા તેમના કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે અને હાલમાં જ તેમની એક હિન્દી ફિલ્મ પણ થિયેટરમાં રિલીઝ થઇ. આ ફિલ્મનું નામ છે “સત્યપ્રેમ કી કથા” જેમાં તે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત છે. જેને વિવેચકો દ્વારા પણ ખુબ જ વખાણવામાં આવી છે. આ ઉપરાંત સિદ્ધાર્થ રાંદેરિયાને સોશિયલ મીડિયામાં પણ મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે અને તેમના દ્વારા શેર કરવામાં આવતા વીડિયો અને તસવીરોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે.

હાલમાં જ સિદ્ધાર્થ રાંદેરિયાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના ઇસ્તંબુલ પ્રવાસ દરમિયાન ટર્કીમાં થયેલા તેમના એક અનુભવને તેમને શેર કર્યો છે. તેમને જણાવ્યું કે આજે હું તમારી સાથે એક ખુબ જ સરસ અને પ્રેરણાત્મક વાત શેર કરી રહ્યો છે. મેં પહેલીવાર ટર્કીની વિઝીટ કરી. એ બહુ જ સુંદર દેશ છે. હું ત્યાં મારા પરિવાર સાથે ગયો હતો.  જ્યાં મારે અને મારી પત્નીને ટ્રામમાં મુસાફરી કરવાની હતી.”

હવે ત્યાંના અનુભવને જણાવતા તે કહે છે કે ટ્રામમાં મુસાફરી કરવા અમે સ્ટેશન પહોંચ્યા તો ટિકિટ કેવી રીતે લેવી હતી એ સમજાઈ રહ્યું નહોતું, ત્યાં કોઈ ટિકિટ કાઉન્ટર પણ નહોતા. ઘણીવાર બાદ અમને ખબર પડી કે સ્ટેશનની બહાર એક મશીન છે તેમાંથી ટિકિટ લઇ શકાય. અમે ત્યાં ગયા પરંતુ ત્યાં પણ કઈ ખબર નહોતી પડી રહી કે ટિકિટ કેવી રીતે લેવી. ત્યારે જ એક છોકરો આવ્યો અને તેને ટિકિટ કાઢી આપવાનું કહ્યું.

સિદ્ધાર્થ રાંદેરિયાએ આગળ જણાવ્યું કે અમારી વચ્ચે કોમ્યુનિકેશન પ્રોબ્લમ હતો, છતાં તેની વાત સમજાઈ ગઈ. પરંતુ ટિકિટ માટે છુટ્ટા પૈસાની જરૂર હતી, મારી પાસે 100 લિરાની નોટ હતી, જેના બાદ મારી પત્નીએ મને કહ્યું કે આજુબાજુમાં જુઓ ક્યાંક છુટ્ટા મળી જાય. જેથી હું છુટ્ટા લેવા માટે ગયો, ત્યારે એ છોકરો મારી પત્ની પાસે ઉભો રહ્યો. 5-6 મિનિટ બાદ હું પાછો આવ્યો પરંતુ મને છુટ્ટા ના મળ્યા.

તેમને આગળ એમ પણ જણાવ્યું કે તે છોકરાએ મને કહ્યું કે હું છુટ્ટા કરાવી આપું, જો તમને મારા પર વિશ્વાસ હોય તો. મેં એ છોકરાને 100 લિરાની નોટ આપી અને તે ભાગવા લાગ્યો. મારી પત્નીને મને કહ્યું શું થયું ? તો મેં કહ્યું મેં તેને છુટ્ટા કરાવવા માટે નોટ આપી હતી, હવે તે ભાગી ગયો. થોડીવાર હું મશીન પાસે જ બેસી ગયો, પરંતુ તે પાછો ના આવ્યો, 5-7 મિનિટ વીતી ગઈ, હવે હું અને મારા પત્ની પાછા જવાનું નક્કી કર્યું અને રોડ ક્રોસ કરી લીધો.

જેવા રોડ ક્રોસ કરીને અમે આગળ જતા હતા ત્યારે જ મારા ખભા પર એક હાથ આવ્યો અને મેં પાછું ફરીને જોયું તો તે છોકરો હતો અને તેને ખુશીથી કહ્યું કે “મને છુટ્ટા મળી ગયા”, મેં મારી પત્ની સામે જોયું અને અમને સમજાઈ રહ્યું નહોતું કે કેવી રીતે રિએક્ટ કરવું. જેના બાદ તેને મશિનમાંથી ટિકિટ કાઢી અને અમને આપી. જેના બાદ સિદ્ધાર્થ રાંદેરિયા આ છોકરા સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો અને વીડિયોમાં બતાવ્યો છે.

આ વીડિયોને શેર કરવાની સાથે સિદ્ધાર્થ રાંદેરિયા કેપશનમાં લખ્યું છે, “પ્લીઝ, ટર્કી રહેતા દરેક લોકો સુધી આ વાત પહોંચતી કરો, ખાસ કરીને એ છોકરા સુધી.. સોશિયલ મિડીયાના પાવરથી આ રીલને ટર્કીના લોકો સુધી પહોંચતી કરીએ, ખાસ કરીને આ છોકરા સુધી..” વીડિયોમાં તે ટર્કી અને ઇસ્તંબુલને સલામ કરતા પણ જોવા મળી રહ્યા છે. હવે તેમનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel