1 વર્ષમાં 53થી 300ને પાર પહોંચ્યો અમદાવાદની કંપનીનો શેર , હવે આપશે 3 બોનસ શેર – જુઓ નામ
Shukra Pharmaceuticals Ltd Announced Share Bonus : આજકાલ યુવાનો શેર બજારમાં વધુ રોકાણ કરવા લાગ્યા છે અને ઘણા શેરે લોકોને પાયમાલ કર્યા છે તો કેટલાકે માલામાલ પણ કરી દીધા છે. ગુજરાતની એક એવી જ કંપનીએ પોતાના રોકાણકારોને મબલખ વળતર આપ્યું અને હવે કંપનીએ એક નવી જાહેરાત કરી છે જેને લઈને તેમના રોકાણકારોની તિજોરીઓ પણ છલકી ઉઠવાની છે. આ કંપની છે અમદાવાદમાં સ્થિત શુક્ર ફાર્માસ્યુટિકલ. જેના શેરમાં છેલ્લા એક જ વર્ષમાં ભારે તેજી જોવા મળી છે.
એક વર્ષમાં રોકાણકારો થયા માલામાલ :
આ કંપનીના શેર ગત વર્ષે 1 માર્ચ 2023ના રોજ 53 રૂપિયા હતો. પરંતુ આ વર્ષે 1 માર્ચ 2024માં તે 304 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આમ કંપનીએ ફક્ત એક જ વર્ષમાં પોતાના રોકાણકારોને 471 ટકા જેટલું વળતર આપ્યું છે. ત્યારે હવે આ સ્મોલ કેપ કંપની પોતાના રોકાણકારોની તિજોરીઓ છલકાવવા માટે બોનસ શેર આપવા માટે જઈ રહી છે. શુક્ર ફાર્માસ્યુટિકલ કંપનીનો શેર ગુરુવારે 5 ટકાની ઉપલી સર્કિટ સાથે 289 રૂપિયા પર બંધ થયો હતો.
બોનસ શેરની જાહેરાત :
જેના બાદ શેર બજારનું કામ કાજ બંધ થયા પછી કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની દ્વારા ત્રણ બોનસ શેરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એક શેર પર ત્રણ શેર ફ્રી મળશે. કંપનીની માર્કેટ કેપ 317 કરોડ રૂપિયા છે. આ સ્ટૉક ASM LT Stage 2માં છે. આનો અર્થ એ છે કે તે સર્વેલન્સ હેઠળ છે. શુક્રા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1993માં કરવામાં આવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટના ઉત્પાદન અને ટ્રેડિંગ તેમજ પ્રયોગશાળા પરીક્ષણોના બિઝનેસમાં કાર્ય કરે છે.
કંપનીની બોર્ડ મિટિંગમાં નિર્ણય :
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીની બોર્ડ મીટીંગ આજે મળી હતી, જેમાં શેરહોલ્ડર્સને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રહેશે. બોર્ડ મીટીંગના 2 મહિનાની અંદર બોનસ શેર ઈશ્યુ કરવામાં આવશે. છેલ્લા 6 મહિનામાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 147.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 104.08 ટકા વધ્યો હતો.