ડેમમાં આત્મહત્યા કરવા ગયેલો CA વિદ્યાર્થીને ઠંડી લાગતી હોવાની ફરિયાદ, હાથ-પગમાં દુ:ખતુ હોવાનું કહેતા એકસ-રે, સોનોગ્રાફી કરાઈ

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના અથવા તો આપઘાતના પ્રયાસના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં આખા ગુજરાતમાં એક મામલો ઘણો જ ચર્ચા જગાવી રહ્યો છે અને એ છે રાજકોટના શુભમ બગથરિયાના આપઘાતના પ્રયાસનો. શુભમે આજી ડેમ નજીક ઊભા રહી મોબાઈલમાં બે વીડિયો બનાવ્યા હતા અને આમાં તે તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી ગયો હોવાનું કહેતો અને એટલાં પાપ છે કે શબ્દોમાં બયાં ન કરી શકતો હોવાનું કહેતો જોવા મળ્યો હતો.

આ વીડિયો બનાવી તેણે તેના પિતાને પણ મોકલ્યો હતો પણ તેમનું નેટ બંધ હોવાને કારણે તેમણે આ વીડિયો સાંજે જોયો અને તે બાદ તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને આજી ડેમ ખાતે યુવકની શોધખોળ હાથ ધરી હતી. જો કે તે બાદ તે બીજા દિવસે અચાનક જ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો અને સારવાર માટે દાખલ થઈ ગયો.

શુભમ હેમખેમ મળી આવતાં પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. એક બાજુ ટીમ આજી ડેમમાં તેની શોધખોળ કરી રહી હતી અને તે સવારે સાતેક વાગ્યે અચાનક રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ થઈ ગયો. તેને ઠંડી લાગવાની, તાવ આવવાની ફરિયાદ બાદ દાખલ કરાયો હતો. આ ઉપરાંત હાથ-પગમાં દુખતુ હોવાનું કહેતા એકસ-રે અને સોનોગ્રાફી પણ કરાઈ હતી.

આ વાતની જાણ પોલીસને થતા પોલિસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જો કે, શુભમ અને પરિવારે કંઈ પણ બોલવાની પત્રકારો સમક્ષ ના કહી હતી. હાલ તો શુભમે આ બાબતે મૌન રાખ્યુ છે પણ તેના ઠીક થઇ ગયા બાદ પોલીસ તેનું નિવેદન લેશે.

Shah Jina