સુગર કોસ્મેટિક્સના સીઈઓ અને રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ વિનિતા સિંહના મોતની ખબર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જો કે, આ ખબરોમાં કોઇ સચ્ચાઇ નથી. વિનીતા સિંહે તેના મોતના સમાચારને અફવા ગણાવી છે. શનિવાર એટલે કે 20 એપ્રિલે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
વિનીતા સિંહે આ અફવાને રોકવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાંચ, મેટા (ફેસબુકની પેરેન્ટ કંપની) અને મુંબઈ સાયબર પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ પગલાં ન લેવાયા બાદ તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી. વિનીતા સિંહે એક ભ્રામક અહેવાલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેનું ટાઇટલ હતું – ‘ભારત માટે એક મુશ્કેલ દિવસ: અમે વિનીતા સિંહને અલવિદા કહીએ છીએ.’
વિનિતા સિંહે તેના X હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી અને ઉલ્લેખ કર્યો કે તે હાલમાં પેઇડ PR જેવી વસ્તુઓ સાથે સંઘર્ષ કરી રહી છે, જેણે તેના મોત અને ધરપકડ વિશે નકલી સમાચાર ફેલાવ્યા છે. છેલ્લા 5 અઠવાડિયાથી આ અંગે સતત સમાચાર આવી રહ્યા છે. જો કે શરૂઆતમાં તો તેણે આ બાબતોની અવગણના કરી પરંતુ બાદમાં ફેસબુક અને મુંબઈ સાયબર પોલીસને જાણ કરી હતી. જો કે ત્યાંથી કોઈ મદદ મળી નહિ. વિનિતા સિંહે કહ્યું કે સૌથી ખરાબ વાત ત્યારે થઈ જ્યારે લોકોએ તેની માતાને સમાચારની પુષ્ટિ કરવા માટે ફોન કર્યો.
આ પોસ્ટ બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ચિંતા વ્યક્ત કરી અને અધિકારીઓને નકલી સમાચારના ફેલાવા સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. જણાવી દઇએ કે, વિનીતા સિંહે બ્યુટી બ્રાન્ડ ‘સુગર કોસ્મેટિક્સ’ની CEO અને સહ-સ્થાપક છે. વિનીતા ભારતમાં સફળ બિઝનેસવુમનની યાદીમાં સામેલ છે. વિનિતા સિંહે આ બ્રાન્ડને 2015માં લૉન્ચ કરી હતી અને હાલમાં તેનું ટર્નઓવર 500 કરોડ રૂપિયાની આસપાસ છે. આ વર્ષે ટર્નઓવર ટાર્ગેટ 700 કરોડ છે.
Been dealing with paid PR about my death & my arrest for 5 weeks. Ignored it at first, then reported to @Meta several times, filed @Mum_CyberPolice complaint but it’s not stopping. The hardest part is when folks panic & call my mom 🥺 Few of the posts are below. Any suggestions? pic.twitter.com/XYyQ5G2EoM
— Vineeta Singh (@vineetasng) April 20, 2024