લોન લો, નોકરી છોડો, ટ્રેડિંગ માટે આવી આવી સલાહ આપતી હતી શેરબજારની ‘ક્વીન’ કહેવાતી અસ્મિતા પટેલ, SEBI એ કરી મોટી કાર્યવાહી…54 કરોડ કર્યા જપ્ત

કોણ છે અસ્મિતા પટેલ જેના સેબીએ જપ્ત કર્યા 54 કરોડ રૂપિયા, અનુપમ ખૈર અને અમૃતા ફડણવીસ સાથે આવી છે નજર

SEBI એ ‘અસ્મિતા પટેલ ગ્લોબસ સ્કૂલ ઓફ ટ્રેડિંગ’ થી ₹53.67 કરોડ જપ્ત કર્યા; ₹104.6 કરોડની ફીસ પર પણ થઇ શકે છે કાર્યવાહી

લોકોને ઓનલાઈન શેરબજાર ટિપ્સ આપતી અસ્મિતા જીતેશ પટેલ સામે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સકંજો કસ્યો છે. તેના પર નોંધણી વગર શેરબજારની ટિપ્સ આપવાનો આરોપ છે. અસ્મિતાને શેરબજારની ‘She Wolf’ અને ‘Options Queen’ તરીકે ઓળખવામાં આવે છે. અસ્મિતા ઓનલાઈન કોર્ષ પણ ચલાવતી હતી, જેના માટે તે લોકો પાસેથી ભારે ફી વસૂલતી હતી. આમાં ઘણા રોકાણકારોને નુકસાન થયું છે. રોકાણકારો તરફથી ફરિયાદો મળ્યા બાદ સેબીએ કાર્યવાહી કરી અને તેમના દ્વારા કમાયેલા 104 કરોડ રૂપિયામાંથી 54 કરોડ રૂપિયા જપ્ત કર્યા.

અસ્મિતા જીતેશ પટેલ સોશિયલ મીડિયા પર સારી એવી પકડ ધરાવે છે. ઘણા લોકો તેને ‘ઓપ્શન્સ ટ્રેડિંગની ક્વિન’ પણ કહે છે. તેની યુટ્યુબ ચેનલના 5 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. શેરમાર્કેટની રેગુલેટર સેબી (SEBI) એ શૈક્ષણિક સંસ્થાઓના નામે ગેરકાયદેસર રોકાણ સલાહકાર ચલાવતી સંસ્થાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. રેગુલેટરે સ્ટોક માર્કેટની ટ્રેનિંગ આપતી લોકપ્રિય સ્કૂલ, ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલ પાંચ અન્ય સંસ્થાઓ પાસેથી રૂ. 53.67 કરોડ જપ્ત કર્યા છે. આ સ્કૂલ શેરબજાર અને સંબંધિત વિષયો પર ઘણા પેઇડ અભ્યાસક્રમો ચલાવે છે. જેમાં “લેટ્સ મેક ઇન્ડિયા ટ્રેડ (LMIT)”, “માસ્ટર્સ ઇન પ્રાઇસ એક્શન ટ્રેડિંગ (MPAT)” અને “ઓપ્શન્સ મલ્ટિપ્લાયર (OM)” જેવા લોકપ્રિય અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

સેબીએ 42 લોકોની ફરિયાદોના આધારે આ સ્કૂલ અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ સામે તપાસ શરૂ કરી હતી. સેબીએ અસ્મિતા સ્કૂલ અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓને પણ સ્પષ્ટતા કરવા કહ્યું છે કે આ પેઇડ કોર્ષના નામે તેમના દ્વારા લેવામાં આવેલા 104.6 કરોડ રૂપિયા કેમ જપ્ત ન કરવામાં આવે. સેબીના વચગાળાના આદેશ અનુસાર, અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ, અસ્મિતા જીતેશ પટેલ અને જીતેશ જેઠાલાલ પટેલને નોંધણી વિના રોકાણ સલાહકાર સેવાઓ પૂરી પાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તમામ 6 સંસ્થાઓને શેરબજારમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

104.62 ​​કરોડ રૂપિયાની રકમ વ્યાજ સહિત શા માટે વસૂલ ન કરવી જોઈએ તેના કારણો પણ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. આદેશમાં, સેબીએ નોટિસ આપનારાઓને “તેમના વિરુદ્ધ અનેક નિર્દેશો કેમ ન આપવા જોઈએ અને તેમને વ્યાજ સહિત 1,04,62,88,613 રૂપિયાની રકમ પરત કરવાનું કેમ ન કહેવામાં આવે તે અંગેના કારણો સમજાવવા” કહ્યું છે. સેબીના ફુલટાઇમ મેંબર કમલેશ વાર્ષ્ણેયે તેમના આદેશમાં જણાવ્યું હતું કે આ સ્કૂલો વિદ્યાર્થીઓ અને રોકાણકારોને પસંદગીના શેરોમાં વેપાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમના માટે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની પણ ભલામણ કરે છે.

આ વિદ્યાર્થીઓ અને રોકાણકારોને એક ટેલિગ્રામ ચેનલમાં પણ ઉમેરવામાં આવ્યા હતા, જ્યાં આ સ્કૂલો સ્ટોક ખરીદવા કે વેચવા અંગે સલાહ આપે છે. શિક્ષણ પૂરું પાડવાની આડમાં આ રોકાણ સલાહ અને સંશોધન સલાહ આપવામાં આવી રહી હતી. સેબીએ એ પણ ખુલાસો કર્યો કે પેઇડ કોર્ષની ફી લોકો પાસેથી સીધી શાળાના ખાતામાં લેવામાં આવતી નહોતી. તેના બદલે, આ ફી “કિંગ ટ્રેડર્સ” (સાગર ધનજીભાઈ), “જેમિની એન્ટરપ્રાઇઝ” (સુરેશ પરમશિવમ) અને “યુનાઇટેડ એન્ટરપ્રાઇઝ” (જીગર રમેશભાઈ દાવડા) ના ખાતામાં જમા કરવામાં આવી હતી.

આ એક નિયમિત પ્રક્રિયા હતી અને એક વખતની ભૂલ નહોતી. સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ છ સંસ્થાઓને સંયુક્ત રીતે ₹53.67 કરોડ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, 104 કરોડ રૂપિયાથી વધુ રકમ જપ્ત કરવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. અસ્મિતાની વેબસાઇટ (asmitapatel.com) પરથી જાણવા મળ્યું કે તેના બોલિવૂડ અને અન્ય મોટી હસ્તીઓ સાથે સંબંધો હતા. વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પ્રતીક ગાંધી, અનુપમ ખેર, કપિલ દેવ, મનોજ મુંતશીર અને ઘણી કંપનીઓના સ્થાપકો અને સીઈઓ તેના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે.

આ ઉપરાંત, તે ઘણા એવોર્ડ સમારોહમાં બોલિવૂડ સહિત અન્ય હસ્તીઓ સાથે પણ જોવા મળી છે. જેમાં રાજકુમાર રાવ, સોનમ કપૂર, નુસરત ભરૂચા, રકુલ પ્રીત સિંહ, વરુણ ધવન, સોનુ સૂદ વગેરેનો સમાવેશ થાય છે. એક ફોટામાં તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ સાથે પણ જોવા મળે છે.

(ડિસ્ક્લેમરઃ શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)

Shah Jina