પત્ની કરીના અને માતા શર્મિલા પહોંચ્યા લીલાવતી હોસ્પિટલ, પાંચ દિવસ બાદ પરિવાર કરશે જીગરના ટુકડાનું સ્વાગત

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની તબિયતમાં હવે ઘણો સુધારો થયો છે. તેને આજે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. રીપોર્ટ્સ અનુસાર, તેને સવારે 11થી બપોરે 3 વાગ્યા વચ્ચે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. પરિવારના સભ્યો તેને મળવા માટે સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે. સૈફ અલી ખાન હાલમાં રિકવરી મોડમાં છે. તેની તબિયત હવે પહેલા કરતાં સારી છે. માતા શર્મિલા ટાગોર પણ પોતાના દીકરાને મળવા લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. પત્ની કરીના કપૂર પણ હવે હોસ્પિટલ પહોંચી છે.

એક દિવસ પહેલા જ દીકરી સારા અલી ખાન પણ હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન પોલીસ પણ પોતાનું કામ કરી રહી છે. મુંબઈ પોલીસે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ ઉર્ફે શહઝાદ સાથે ઘટનાનો સીન રિક્રિએટ કર્યો. પોલીસ આરોપીને સૈફ અલી ખાનના ઘરના પાછળના ભાગથી ઘરના પ્રવેશદ્વાર સુધી લઈ ગઈ. આરોપીએ સીન રિક્રિએશન દરમિયાન જણાવ્યું કે ગેટ ક્રોસ કર્યા પછી તેણે એસી ડક્ટનો ઉપયોગ કર્યો અને ઘરમાં પ્રવેશ કર્યો.

પોલીસ તેને ઘરની નજીકના બગીચામાં અને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પણ લઈ ગઈ, જ્યાં તે ઘટના પછી ગયો હતો. આ રિક્રિએશનમાં પોલીસે આરોપીની દરેક પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું જેથી ઘટનાનો ક્રમ સમજી શકાય. મુંબઈ પોલીસને સૈફના મકાનમાંથી આરોપી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. આ નિશાન સીડી, બાથરૂમ, ડક્ટ શાફ્ટ, બાથરૂમની બારી તેમજ સીડી પરથી મળી આવ્યા છે. આરોપીએ સૈફના ઘરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો.

આ કેસમાં આ ફિંગરપ્રિન્ટ્સને મહત્વપૂર્ણ પુરાવા માનવામાં આવી રહ્યા છે. સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ ઉર્ફે શહઝાદની સોમવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. તે બાંગ્લાદેશમાં પહેલવાન રહી ચૂક્યો છે. કોર્ટે તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. તેણે પોલીસની શરૂઆતની પૂછપરછમાં કબૂલાત કરી છે કે તે રાત્રે સૈફના ઘરમાં ઘુસી ગયો હતો અને તેણે જ સૈફ પર હુમલો કર્યો હતો.

Shah Jina