સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો- કરવામાં આવી સર્જરી, ચોરીના ઇરાદાથી ઘુસ્યો હતો હુમલાખોર; જાણો સમગ્ર મામલો

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેના ઘર પર ચાકુથી હુમલો થયો હતો. આ હુમલામાં સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા વાગ્યા હોવાના અહેવાલ છે. સૈફને 3 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. સૈફ સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં રહે છે. લીલાવતી હોસ્પિટલના COOએ જણાવ્યું હતું કે સૈફને છ વાર ચાકુ ઘોંપ્યુ, બે ઘા ઊંડા છે, એક ઘા કરોડરજ્જુની નજીક લાગ્યો છે. સૈફની ટીમ તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં સૈફના ઘરે કામ કરતી નોકરાણી અરિયામા ફિલિપ ઉર્ફે લીમા પણ ઘાયલ થઈ છે. આવી પરિસ્થિતિમાં અમે મીડિયા અને ચાહકોને અમારો સાથ આપવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને અપડેટ આપતા રહીશું. ડીસીપીએ જણાવ્યું કે સૈફ અલી ખાન ફોર્ચ્યુન હાઇટ્સ, ખારમાં રહે છે. ગઈકાલે મોડી રાત્રે એક માણસ સૈફના ઘરમાં ઘૂસી ગયો અને નોકરાણી સાથે બહેસ કરી, જ્યારે અભિનેતાએ તે માણસને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ પર હુમલો કર્યો અને આ હુમલામાં તે ઘાયલ થયો.

મુંબઈ પોલીસે જણાવ્યું કે ઘટનાના બે કલાક પહેલાના સીસીટીવી ફૂટેજમાં કોઈ અંદર જતા દેખાતું નથી. પોલીસને શંકા છે કે હુમલાખોર અંદર જ હતો. મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે એક્ટરના ઘરે પહોંચી હતી, માહિતી એકઠી કરવા પોલીસે સૈફના ઘરના સ્ટાફના 5 સભ્યોની પૂછપરછ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના ઘરમાં એક ડક્ટ છે, જે બેડરૂમની અંદર જઇને ખુલે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે લૂંટારુઓ આ ડક્ટમાંથી જ પ્રવેશ્યા હશે. સૈફ પર બાળકોના રૂમમાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો.

એક અહેવાલ અનુસાર, ઘટના સમયે કરીના કપૂર ખાન અને તેના બાળકો તૈમૂર-જેહ સહિત આખો પરિવાર ઘરે હતો. અભિનેતા સૈફ અલી ખાને પોતાના પરિવારની સુરક્ષા માટે લૂંટારાનો સામનો કર્યો હતો. બાળકોની આયા સૌથી પહેલા અવાજ સાંભળીને જાગી ગઈ અને આ દરમિયાન બધાને બચાવવા માટે સૈફે હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો. લૂંટારાએ સૈફ પર છરી વડે હુમલો કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયો. હુમલા બાદ સૈફને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

સૈફ પર હુમલા બાદ કરીના કપૂર ખાન સવારે 4.30 વાગ્યે તેની બહેન કરિશ્મા કપૂર સાથે હોસ્પિટલ પહોંચી હતી. હુમલાના લગભગ 9 કલાક પહેલા કરિશ્મા કપૂરે ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે બહેન કરીના કપૂર, મિત્રો રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી અને ત્રણેયે સાથે ડિનર માણ્યું હતુ. સૈફ અલી ખાન પર આ હુમલા બાદ માત્ર ફેન્સ જ નહીં સેલેબ્સ પણ ચોંકી ગયા છે. આ સમગ્ર મામલે હજુ સુધી કપૂર અને પટૌડી પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

અભિનેતા જલ્દી સ્વસ્થ થાય તે માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સૈફ તેની કારકિર્દીની ટોચ પર છે. તેની અગાઉની રિલીઝ દેવરા હતી. આમાં સૈફની સાથે જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહિ. સૈફ તેની ફિલ્મો ઉપરાંત કરીના અને બાળકો સાથેના બોન્ડને કારણે પણ ચર્ચામાં રહે છે. આ કપલે સ્વિટ્ઝરલેન્ડમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરી હતી.

Shah Jina