ASI ની દીકરીએ ચિઠ્ઠી લખીને કહ્યું, હું મરવા જાઉં છું, હું એ રીતે મરીશ કે તમને મળીશ પણ નહીં અને પછી…

સમગ્ર દેશભરમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી રહેલા ASIની દીકરી ગુમ થઇ ગઈ છે અને તેનું છેલ્લુ લોકેશન સુરેન્દ્રનગરની નર્મદા કેનાલનું મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એએસઆઈ ગિરીશદાન ગઢવીના પુત્રી સોનલ ગઢવી ગુરૂવારે બપોરે ક્યાંક ચાલી ગઈ હતી. જતા પહેલા તેને “મરવા જાઊં છું” એવી ચિઠ્ઠી લખી અને ઓડિયો કલીપ બનાવીને અચાનક ગુમ થઇ ગઈ છે. સોનલ છેલ્લાં ત્રણ મહિનાથી પિતાનાં ઘરે જ રહેતી હતી.

સોનલના લગ્ન ભરૂચ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. 14 વર્ષના લગ્નજીવન બાદ તેમને સંતાનમાં દીકરો અને દીકરીનો જન્મ થયો હતો, પરંતુ સાસરિયાંમાં તેને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં જ રહેતી હતી.

આ દરમિયાન તેનો પતિ પણ તેને “ઘરે આવી જા, નહિ તો હું મરી જઈશ”  એવા ફોન પણ કર્યા કરતો હતો. જેનાથી કંટાળીને સોનલે એક ચિઠ્ઠીમાં “હું મરવા જાઉં છું” એવું લખી અને ગુમ થઇ ગયા હતા. જેના બાદ ગુરુવારે બપોરે 1.53 વાગ્યે પિતાને ઓડિયો-ક્લિપ પણ મોકલી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે “તે મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, તે શું મરવાનો હતો, હું જ તેને મરીને બતાવી દઈશ.”

આ ઉપરાંત સોનલે ઓડિયો ક્લિપની અંદર એમ પણ જણાવ્યું હતું કે “‘હું એવી રીતે મરીશ કે તમને કદાચ મળીશ પણ નહિ.” આ કલીપ મોકલ્યા બાદ તેને પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. સોનલબેનનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરના દૂધરેજની નર્મદા કેનાલનું આવતું હતું, આથી તેમનાં પરિવારજનો સુરેન્દ્રનગર દોડી આવ્યાં હતાં અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં સતત 8 કલાક સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સોનલબેનની ભાળ મળી ન હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિના પહેલાથી પણ વડોદરા કરજણના પીઆઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાનો કેસ હજુ ઉકેલાયો નથી ત્યાં અમદાવાદના એએસઆઈની દીકરી ગુમ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ સોનલબેનની શોધ કરી રહી છે.

Niraj Patel