વાહ શિક્ષક હોય તો આવા ! ઇડરની પ્રાથમિક શાળામાં શિક્ષક ડાન્સ કરતા કરતા ભણાવે છે ગણિત-વિજ્ઞાન, વિદ્યાર્થીઓને પણ આવે છે મોજ, જુઓ વીડિયો

Sabarkantha Teacher Video : આજના સમયમાં ભણતર ખુબ જ ભાર વાળું બની ગયું છે. વિદ્યાર્થીઓ આજના કોમ્પિટિશનના જમાનામાં ખુબ જ મહેનત પણ કરતા હોય છે. તો શિક્ષિકો પણ બાળકોને સારું ભણતર મળે તે માટેના પ્રયત્નો પણ કરતા હોય છે, પરંતુ કેટલાક વિષયો એવા હોય છે જે ભણવામાં ખુબ જ અઘરા પણ લગતા હોય છે. તેમાં પણ ગણિત અને વિજ્ઞાનમાં તો ઘણા બાળકોને ટપ્પા પણ નથી પડતા. એવામાં આ અઘરા વિષયને પણ જો સરળ રીતે ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓ પણ સારી રીતે સમજી શકે છે.

આ ઉમદા કામ કરી બતાવ્યું છે ઇડરની પ્રાથમિક શાળાના એક શિક્ષકે. જેમની ભણાવવાની અનોખી સ્ટાઇલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.  આ વાયરલ વીડિયો છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઇડરની પ્રાથમિક શાળા 1ના શિક્ષક હિતેષભાઇ પટેલનો. જે ડાન્સ કરીને વિદ્યાર્થીઓનું મનોરંજન કરાવતા કરાવતા શિક્ષણના પાઠ પણ ભણાવી રહ્યા છે. વર્ષ 2003થી હિતેષભાઇ શિક્ષણ કાર્યમાં જોડાયા હતા, ત્યારથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે.

હિતેષભાઇ છેલ્લા 20 વર્ષથી બાળકોને આ પ્રકારે જ જ્ઞાન પીરસે છે. તેઓ વર્ષ 2003માં શિક્ષક તરીકે ખેડબ્રહ્મા ખેરોજ જૂથ શાળામાં જોડાયા હતા, જેના બાદ તેઓ 2013માં વસાઈ CRC તરીકે ફરજ બજાવતા હતા, ત્યારબાદ તેઓ 2017થી ઇડરની શાળા નં.1માં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની ભાર વિનાના ભણતરની આ કામગીરી જોઈને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ તેમને નવાજવામાં આવ્યા છે.

હિતેશભાઈ ધોરણ 6થી 8માં ગણિત વિષય ભણાવે છે. ત્યારે બાળકો ગણિતના ભાર નીચે ના દબાય અને સારી રીતે ગણિત શીખી શકે તે માટેનું ખાસ ધ્યાન રાખે છે. હિતેષભાઇના આ રમજુ રીતે ગણિત ભણાવવાના કારણે બાળકોને પણ દાખલાઓ સારી રીતે યાદ રહી જાય છે. ત્યારે હાલ તેમનો “મારે ગોવાળિયો થાવું છે” ગીતનો તેમનો બાળકોને મનોરંજન કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેમના શિક્ષણકાર્યના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel