ઋતુરાજ ગાયકવાડે પહેલા WTC Finalથી કર્યો કિનારો અને હવે મહારાષ્ટ્રની ક્રિકેટર સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે ઉત્કર્ષા પવાર
Ruturaj Gaikwad Wedding : ભારતીય ક્રિકેટર અને CSKનો સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાયો છે. IPL 2023 ફાઇનલ જીત્યા બાદ CSKના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ક્રિકેટર સાથે સાત ફેરા લીધા. 3 જૂન શનિવારના રોજ મહારાષ્ટ્રના ક્રિકેટર ઉત્કર્ષા પવાર અને ઋતુરાજ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને કાયમ માટે એકબીજાના બની ગયા.
બંનેએ તમામ ધાર્મિક વિધિઓ સાથે મહાબળેશ્વરમાં લગ્ન કર્યા હતા. ગાયકવાડે શનિવારે રાત્રે મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષા પવાર સાથે લગ્ન કર્યા છે. ઋતુરાજ આ વર્ષે લગ્ન કરનાર 5મો ભારતીય ક્રિકેટર છે. આ પહેલા શાર્દુલ ઠાકુર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને કેએલ રાહુલ પણ લગ્નના બંધનમાં બંધાયા છે.
ઋતુરાજ અને ઉત્કર્ષાના લગ્નની તસવીરો સામે આવ્યા બાદથી લોકો બંને પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને લગ્નનો લુક પસંદ કરી રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડ લાંબા સમયથી ઉત્કર્ષા પવારને ડેટ કરી રહ્યો હતો અને સ્ટેડિયમમાં ઉત્કર્ષા તેને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી. લગ્નની તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
લગ્નના પહેલા લુકમાં દુલ્હા અને દુલ્હન મહારાષ્ટ્રીયન લુકમાં જોવા મળી રહ્યા છે. જેમાં ઉત્કર્ષાની સાડી અને ઋતુરાજની પાઘડી મેચ થઈ રહી છે. ફર્સ્ટ લુકમાં ઉત્કર્ષા લીલા રંગની નૌવારી સાડીમાં જોવા મળે છે, જેમાં તેણે ગોલ્ડ જ્વેલરી કેરી કરી છે. ઋતુરાજના લુકની વાત કરીએ તો, તેણે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી ઓફ-વ્હાઈટ શેરવાની અને લીલી પાઘડી પહેરી હતી,
જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. બીજા લુકમાં ઋતુરાજ ઓફ-વ્હાઈટ શેરવાનીમાં તો ઉત્કર્ષા પણ ઓફ-વ્હાઈટ લહેંગામાં જોવા મળી રહી છે, જેમાં તે સુંદર લાગી રહી છે. તેણે હેવી નેકપીસ અને હેવી ઈયરિંગ્સ કેરી કરી છે. આ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે, જેના કારણે તે વધુ સુંદર લાગી રહી છે. ઉત્કર્ષા મહારાષ્ટ્રની ક્રિકેટર છે અને તે તેના રાજ્ય માટે રમી છે.
તે જમણા હાથની ઓલરાઉન્ડર છે, જેનો અર્થ છે કે ઉત્કર્ષા બેટિંગ અને બોલિંગ બંને કરે છે. તેણે નવેમ્બર 2021માં સિનિયર મહિલા ODI ટ્રોફીમાં પંજાબ સામે તેની છેલ્લી મેચ રમી હતી. હાલમાં તે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ, પૂણેમાં અભ્યાસ કરી રહી છે. ઉત્કર્ષાનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો.
ઋતુરાજે લગ્ન માટે ટીમ ઈન્ડિયામાંથી રજા લઈ લીધી છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ ભારતીય ટીમનો ભાગ હતો. તેને સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પણ તેનું નામ પાછું ખેંચી લેવાયુ. ઋતુરાજની જગ્યાએ યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી. ઋતુરાજ અને ઉત્કર્ષા આઈપીએલ ફાઈનલ બાદ સાથે જોવા મળ્યા હતા.
ઉત્કર્ષાની ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેની તસવીર પણ વાયરલ થઇ હતી. ઋતુરાજ ગાયકવાડ IPL 2023માં 16 મેચની 15 ઇનિંગ્સમાં 42.14ની એવરેજ અને 147.50ની સ્ટ્રાઇક રેટથી 590 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 46 ચોગ્ગા અને 30 છગ્ગા પણ નીકળ્યા હતા.
તેણે આ સિઝનમાં ચાર અડધી સદી પણ ફટકારી હતી અને તેની સૌથી મોટી ઇનિંગ્સ 92 રનની હતી. ભારત માટે એક ODI અને નવ T20I રમી ચૂકેલા ઋતુરાજે દેશ માટે કુલ 154 રન બનાવ્યા છે. તેણે ટી20માં પણ અડધી સદી ફટકારી છે. જો કે, સતત તકો મળે ત્યારે તે વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.