રોહિત શર્માએ મારી એવી જોરદાર સિક્સર કે પ્રમોશન માટે મુકેલી કારનો કાચ પણ તૂટી ગયો, રણવીર સિંહ પણ ઝૂમી ઉઠ્યો, જુઓ વીડિયો

IPLની પ્લેઓફમાં પહોંચવા માટે દરેક ટીમ મેદાનની અંદર પોતાનો પરસેવો રેડી રહી છે, ત્યારે આ વર્ષે આઈપીએલમાં એકદમ બદલાયેલો માહોલ જોવા મળી રહ્યો છે, આઇપીએલની દાવેદાર માનવામાં આવનારી ટિમો ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઈ છે, આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્મા પણ આ વર્ષે કઈ ખાસ કરી શક્યો નથી.

ત્યારે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સ જીતેલી મેચ હારી ગયું હતું, પરંતુ આ મેચમાં ઘણા એવા દૃશ્યો સર્જાયા જેને દર્શકોના રોમાંચમાં વધારો કરી દીધો હતો, મુંબઈ ઇન્ડિયન્સનું મનોબળ વધારવા માટે અભિનેતા રણવીર સિંહ પણ મેદાનમાં હાજર રહ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો કપ્તાન રોહિત શર્મા તેના જૂના રંગમાં જોવા મળ્યો હતો. તેણે ઈશાન કિશન સાથે મળીને આઈપીએલ 2022માં એવું કર્યું, જે પહેલા બન્યું ન હતું. રોહિત-કિશનની ઓપનિંગ જોડીએ પાવરપ્લેની 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવ્યા હતા, જે આ સિઝનમાં પાવરપ્લેમાં મુંબઈનો સૌથી વધુ સ્કોર છે. રોહિત 7 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. પરંતુ 28 બોલમાં 43 રન બનાવ્યા. આ તેનો આઈપીએલ 2022નો સર્વોચ્ચ સ્કોર પણ છે.

રોહિતે પોતાની 43 રનની ઇનિંગમાં બે સિક્સર ફટકારી હતી. તેમાંથી તેણે એક છગ્ગામાંથી 5 લાખની કમાણી કરી હતી. જો કે, તે પોતે આ પૈસાનો ઉપયોગ કરશે નહીં, પરંતુ આ રકમ એક ઉમદા હેતુ માટે ખર્ચવામાં આવશે. પહેલા અમે તમને જણાવીએ કે રોહિતે 5 લાખ કેવી રીતે કમાયા અને પછી જણાવીએ કે આ પૈસા ક્યાં વાપરવામાં આવશે?

રોહિતે ગુજરાત ટાઇટન્સ સામેની મેચની શરૂઆતમાં જ પોતાનું વલણ બતાવ્યું હતું. ગુજરાત તરફથી અલઝારી જોસેફે મેચની બીજી ઓવર ફેંકી હતી. રોહિતે પહેલા બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા અને પછી ઓવરના છેલ્લા બોલ પર તેને સિક્સર ફટકારી, જેના દ્વારા તેણે 5 લાખ રૂપિયાની કમાણી કરી. તે મેચનો પ્રથમ છગ્ગો પણ હતો.

અલઝારીનો બોલ થોડો ફૂલ હતો. રોહિતે તેનું વજન બેકફૂટ પર સ્થાનાંતરિત કર્યું અને મિડવિકેટ પર સીધો સિક્સર ફટકારી અને બોલ સીધો લીગના સ્પોન્સર ટાટાની પંચ કારમાં વાગ્યો અને તેનો કાચ તૂટી ગયો. આ એક શોટથી રોહિતના ખાતામાં 6 રન જોડાયા હતા, સાથે 5 લાખ રૂપિયા પણ મળ્યા હતા.

IPL 2022ની સ્પોન્સર ટાટા કંપની છે. ટાટા મોટર્સ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, જે કોઈ સ્ટેડિયમમાં પાર્ક કરેલી ટાટાની પંચ કારને અથવા બોર્ડ પર સિક્સ ફટકારશે, તેના બદલામાં, આસામના કાઝીરંગા નેશનલ પાર્કને ગેંડાની સંભાળ માટે 5 લાખ રૂપિયા આપવામાં આવશે. બસ આ જ કારણે રોહિતને મેચમાં પ્રથમ છગ્ગા મારવા અને કારનો કાચ તોડી નાખવા છતાં 5 લાખ રૂપિયા મળ્યા અને તે ઉમદા હેતુનો ભાગ બન્યો. આ રાષ્ટ્રીય ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડાના ઘર તરીકે ઓળખાય છે.

જ્યારે રણવીર સિંહ સ્ટેડિયમમાં હોય અને રોહિત શર્માના બેટથી ધૂમ મચાવતા શોટ મારતો હોય, તો પછી ઉત્સાહની કમી કેવી રીતે હોઈ શકે. ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું બેટ એક પછી એક શાનદાર શોટ રમી રહ્યું હતું ત્યારે વીઆઈપી બોક્સમાં બેઠેલો રણવીર સિંહ આનંદથી કૂદતો જોવા મળ્યો હતો. જ્યારે રોહિતે શમીને સિક્સર ફટકારી ત્યારે કેમેરાનું ધ્યાન રણવીર પર હતું.

Niraj Patel