ખુબ જ સંઘર્ષ ભરેલી રહી છે, GT સામે એક જ ઓવરમાં 5 છગ્ગા મારીને મેચ જીતાડનારા રીન્કુ સિંહની કહાની, કોચિંગ સેન્ટરમાં કચરા પોતા કરતો હતો… જુઓ

ગરીબ પરિવારના રીન્કુ સિંહના પિતા કરતા હતા ગેસ સિલેન્ડરની ડિલિવરીનું કામ, ભણેલો ના હોવાના કારણે પોતે પણ કર્યા કચરા પોતા, પરંતુ IPLમાં આવ્યો અને બદલાઈ ગઈ કિસ્મત, જુઓ તેની ભાવુક કરી દેનારી કહાની

હાલ દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં IPLનો રોમાંચ ચાલી રહ્યો છે, દરેક ટીમ જીત માટે તનતોડ મહેનત કરી રહી છે અને દર્શકોને પણ એક પછી એક રોમાંચક મેચ પણ જોવા મળી રહી છે. ગઈકાલે એવી જ એક મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાત્તા નાઈટ રાઇડર વચ્ચે યોજાઈ હતી. જેમાં કેકેઆરની ટીમે મેચની છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરી અને ગુજરાતને 3 વિકેટે હરાવી દીધું.

આ જીતનો હીરો રહ્યો કોલકાત્તાનો રીન્કુ સિંહ. જેણે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા મારીને ઇતિહાસ રચી દીધો અને જ્યાં એક સમયે કેકેઆરની હાર દેખાઈ રહી હતી ત્યાં મેચની છેલ્લી ઓવર જીતમાં પલટાઈ ગઈ. રીન્કુ સિંહે પોતાના આ દરેક છગ્ગાને તેના માટે સંઘર્ષ કરનારા તેના પરિવારને સમર્પિત કર્યા છે. રીન્કુ સિંહની કહાની પણ ખુબ જ સંઘર્ષ ભરેલી રહી છે. તેની કહાની પણ કેટલીય આંખોને ભીની કરી દીધી છે.

રિંકુનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો અને તે 5 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરનો છે. રિંકુના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા હતા. બીજી તરફ રિંકુને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, પરંતુ પિતા ઇચ્છતા ન હતા કે તેમનો પુત્ર આ રમતમાં સમય બગાડે. જેના કારણે રિંકુને ઘણી વખત માર મારવામાં આવતો હતો.

આમ છતાં રિંકુએ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. દિલ્હીમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં તેને ઈનામ તરીકે બાઇક મળી, જે તેણે તેના પિતાને આપી. જેના કારણે રિંકુની મારપીટ બંધ થઈ ગઈ હતી, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ રહી હતી. આવી સ્થિતિમાં રિંકુએ નોકરી કરવાનું નક્કી કર્યું. રિંકુ બહુ ભણેલો ન હતો, જેના કારણે તેને કોચિંગ સેન્ટરમાં સફાઈ કામદારની નોકરી મળી. રિંકુને આ કામ કરવાનું મન ન થયું અને તેણે થોડા દિવસોમાં આ કામને અલવિદા કહી દીધું.

આ પછી રિંકુએ પોતાનું ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું, જે તેની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે. બે લોકો મોહમ્મદ જીઓશન અને મસૂદ અમીને રિંકુ સિંહની કારકિર્દીને નવી ઉડાન આપવામાં મદદ કરી. મસૂદ અમીને નાનપણથી જ રિંકુને ક્રિકેટની ટ્રેનિંગ આપી છે, જ્યારે અંડર-16 ટ્રાયલમાં બે વખત ફેલ થયા બાદ જીશાને આ ક્રિકેટરને ઘણી મદદ કરી હતી. ખુદ રિંકુ સિંહે પણ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

રિંકુની મહેનત આખરે ફળીભૂત થઈ જ્યારે 2014માં તેને ઉત્તર પ્રદેશ માટે લિસ્ટ-A અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. રિંકુ સિંહે પંજાબ સામે બે વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્યારપછી રિંકુએ પાછું વળીને જોયું નથી અને તેણે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. આઈપીએલ 2017ની હરાજીમાં, રિંકુને કિંગ્સ ઈલેવન પંજાબે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તે સિઝનમાં તેને માત્ર એક જ મેચ રમવા મળી હતી.

2018ની સિઝનમાં રિંકુ સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સે 80 લાખ રૂપિયાની કિંમતે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારથી તે KKR સાથે જોડાયેલો છે. જો કે, IPL 2021 સીઝનમાં, તે ઘૂંટણની ઈજાને કારણે એક પણ મેચ રમી શક્યો ન હતો. રિંકુને KKRએ IPL 2022ની મેગા ઓક્શનમાં 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLમાં રિંકુએ અત્યાર સુધી 20 મેચ રમી છે અને 24.93ની એવરેજથી 349 રન બનાવ્યા છે. આઈપીએલ 2022માં લખનઉ સામેની મેચમાં રિંકુએ માત્ર 15 બોલમાં 40 રન બનાવ્યા હતા, તે પછી રિંકુની ઈનિંગ છવાઈ ગઈ હતી.

Niraj Patel