માસુમ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેનારા ફેનિલના આજે 4 વાગે રિમાન્ડ થશે પુરા, જુઓ અત્યાર સુધીના પોલીસ રિમાન્ડમાં શું શું આવ્યું સામે ?

સુરતની માસુમ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેનારા હત્યારા ફેનિલ ગોયાણીના આજે સાંજે 4 વાગે રિમાન્ડ પૂર્ણ થવાના છે. કોર્ટ દ્વારા હત્યારા ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, જેના બાદ પોલીસને આ મામલામાં ઘણા બધા ખુલાસાઓ હાથ લાગ્યા છે. આ કેસની તપાસ એસઆઈટીની ટિમ દ્વારા તેજ ઝડપે કરવામાં આવી રહી છે. ત્યારે ફેનીલનાં રિમાન્ડ દરમિયાન કેવા કેવા ખુલાસા થયા તે અંગે એક નજર કરીએ.

ફેનિલના રિમાન્ડ મંજુર થયા બાદ આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.

ફેનિલને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌ પ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો, જેના બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી અમરોલી વિસ્તારમાં યુવતીની કોલેજ અને છેલ્લે પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો. જ્યાં વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યો હતો.

ગ્રીષ્માના ઘરની બહાર ફેનિલને રિકન્સ્ટ્રકશન કરવા માટે પોલીસ લઈને આવી ત્યારે ગ્રીષ્માના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રીષ્માની હત્યા સમયે ફેનિલે 25થી 30 મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો.

ફેનિલે જયારે ગ્રીષ્માના ગળા ઉપર ચપ્પુ મૂક્યું ત્યારે ગ્રીષ્મા મને છોડી દે… ની બૂમો પાડવા લાગી હતી. ત્યારે ફેનિલ પણ મોટેથી મને મારવા કોને મોકલેલા એમ બોલી રહ્યો હતો અને છેલ્લે તેને ગ્રીષ્માનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના બાદ ફેનિલે ગ્રીષ્માની લાશ પાસે જ ઉભા રહીને માવો ખાધો હતો અને તેના મિત્રને ફોન કર્યો હતો.

આ મામલામાં હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલ અને તેના મિત્રની વાતચીતનો એક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ફેનિલ ગ્રીષ્માની હત્યા કર્યા પહેલા તેના એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને ગ્રીષ્માની હત્યા કરવાની વાત જણાવી રહ્યો હતો. ત્યારે આ વાયરલ ઓડિયોની અંદર વોઇસ ફેનિલનો છે કે કેમ તે જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો 3-3 વાર બોલાવીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આજે આરોપી ફેનિલના રિમાન્ડ પુરા થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંભવતઃ પોલીસ દ્વારા ફેનીલનાં વધુ રિમાન્ડ પણ મંગાવામાં આવી શકે છે. ગ્રીષ્માના પરિવાર વતી તેનો કેસ સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા છે. તેમને કોર્ટ સમક્ષ આ કેસમાં ઝડપી ન્યાય માટેની રજુઆત કરી આ ઉપરાંત કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માંગ કરી હતી. તેમજ સરકારી વકીલ દ્વારા સરકારી સ્કીમ હેઠળ વળતર માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

Niraj Patel