ડૂબી ગયા રોકાણકારોના બધા પૈસા…ભારતની સૌથી ફેમસ કંપનીની શેરનું ટ્રેડિંગ થયું બંધ

શેરબજારમાં લોકો પૈસા કમાવવા માટે માહિતીના અભાવે ગમે ત્યાં સટ્ટો લગાવે છે, જેના પછી મોટાભાગના રોકાણકારો માટે આ સટ્ટો બેકફાયર થાય છે, એટલે કે તેમને નુકસાન સહન કરવું પડે છે. હાલમાં રિલાયન્સ કેપિટલના ઇક્વિટી રોકાણકારો સાથે પણ આવી જ સ્થિતિ બની છે. અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા NCLT દ્વારા ખરીદી લેવામાં આવી છે. જે બાદ નવા માલિકે રિલાયન્સ કેપિટલ લિમિટેડને શેરબજારમાંથી ડી-લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી શેરબજારમાં રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. રિલાયન્સ કેપિટલના શેરનું છેલ્લું ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું, તે દિવસે શેરનો ભાવ 11.90 હતો. ડી-લિસ્ટિંગનો અર્થ એ છે કે હવે રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ થશે નહીં અને રોકાણકારો શેર હોલ્ડ શકશે નહીં. રિલાયન્સ કેપિટલના શેર ધરાવતા રોકાણકારોનું મૂલ્યાંકન શૂન્ય થઈ ગયું છે. તેમના બધા પૈસા ડૂબી ગયા છે. કારણ કે શેરને ડી-લિસ્ટ કરવાના નિર્ણય સાથે તેની વર્તમાન કિંમત ગમે તે હોય તે ઘટીને શૂન્ય થઈ જાય છે.

26 ફેબ્રુઆરીના રોજ રિલાયન્સ કેપિટલના શેરની કિંમત 11.90 રૂપિયા હતી. પરંતુ હવે તે શૂન્ય થઈ ગઇ છે. શેરધારકોને હવે વળતરમાં કંઈ મળવાનું નથી. જો કે, આ બધું માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો હેઠળ થયું છે. તેથી લોકોને હંમેશા આવા શેર ટાળવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને તે કંપનીઓના શેર અંગે જેમનો કેસ NCLTમાં ચાલી રહ્યો છે. એક જમાનામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ શેરબજારમાં પ્રભુત્વ જમાવતી હતી. વર્ષ 2008માં કંપનીના એક શેરની કિંમત 2700 રૂપિયાથી વધુ હતી.

આ સ્ટોક તેની ઊંચાઈથી લગભગ 99% ઘટ્યો છે. જણાવી દઈએ કે 29 નવેમ્બર 2021ના રોજ ગંભીર સમસ્યાઓના કારણે આરબીઆઈએ અનિલ અંબાણીની આ કંપનીના બોર્ડને ભંગ કરી દીધું હતું. તે પછી કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ અને હિન્દુજા જૂથની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ સુધી પહોંચી. હિંદુજા ગ્રૂપે રિલાયન્સ કેપિટલના શેરને કંપની સંભાળતાની સાથે જ ડી-લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

રીપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ 38000 કરોડ રૂપિયના દેવામાં ડુબી ગઇ હતી અને કંપનીને ખરીદવા માટે અનેક વખત બિડ પછી આખરે હિંદુજા ગ્રુપની કંપની ઇંડસઇંડ ઇન્ટરનેશનલે સમાધાનમાં 9861 કરોડ રૂપિયામાં રિલાયન્સ કેપિટલ ખરીદી લીધી છે. પ્રાપ્ત વિગત મુજબ 31 માર્ચ 2024 સુધીમાં ઇંડસઇંડ ઇન્ટરનેશનલ રિલાયન્સ કેપિટલના શેરને ડિલીસ્ટ કરાવી દેશે. આ સંજોગોમાં રિલાયન્સ કેપિટલના શેર હોલ્ડર્સને રૂપિયા ગુમાવવાનો વારો આવશે, તેમને એક પણ રૂપિયો નહિ મળે.

Shah Jina