વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અને તેના ભાઈ સાથે ખુલ્લેઆમ મારામારી, નાસ્તા હાઉસના માલિકે તળવાના ઝારાથી દોડાવી દોડાવીને માર્યા…જુઓ

નાસ્તાની દુકાન પર નજીવી વાતે થયેલી બોલચાલ મારામારી સુધી પહોંચી, દુકાન માલિકના દીકરાએ મિત્રો સાથે રીલ સ્ટાર અને તેના ભાઈને માર માર્યો..

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મારામારી અને ખુલ્લેઆમ હત્યા થવાના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે. આવી ઘટનાઓના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે, જ્યાં સોશિયલ મીડિયા સ્ટાર અને તેના ભાઈને માર મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સુદક્ષ દરજી (ડી.જે.) જે સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ જેટલા ફોલોઅર્સ છે તેનો ભાઈ ઉત્તરાયણના દિવસે સમા રોડ પર આવેલી એક દુકાનમાં નાસ્તો લેવા માટે ગયો હતો. ત્યારે નાસ્તો આપવામાં મોડું થતા દુકાન માલિકના છોકરા સાથે તેની બોલચાલ થઇ હતી.

જેના બાદ આ બોલચાલ મારામારીમાં પરિણમી હતી અને દુકાન માલિકના છોકરાએ તેના 10 મિત્રોને પણ બોલાવી લીધા હતા. તો સુદક્ષના ભાઈએ તેને ફોન કરીને બોલાવી લીધો. જેના બાદ સુદક્ષ આવ્યો અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સમાધાન ના થયા નાસ્તા હાઉસ માલિકના દીકરાએ ફરસાણ તળવાનો ઝારો ઉપાડી અને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ તેના 10 મિત્રોએ પણ બંને ભાઈઓને મારવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન દુકાન માલિકના દીકરાના ગ્રુપે આ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો. જેના બાદ પોલીસ સમક્ષ આ મામલાનો વીડિયો વાયરલ નહિ કરવાની શરતે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તે ઘટનાનો વીડિયો નાસ્તા હાઉસના માલિકના દીકરાએ વાયરલ કરી દીધો અને સુદક્ષ દરજીને ટેગ પણ કર્યો હતો.

ત્યારે હવે આ મામલે સુદક્ષ દરજીએ જણાવ્યું કે આ મારી ઇમેજ ખરાબ કરવા માટે વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ફક્ત મને અને મારા ભાઈને જ માર મારતા બતાવવામાં આવ્યા છે, પરંતુ અમે પણ સ્વબચાવમાં તેમને માર માર્યો હતો, મારો ભાઈ નીચે પડી ગયો હોવા છતાં પણ પોતાનો સ્વબચાવ કરતા એ લોકોને મારતો હતો પરંતુ તે વીડિયોમાં નથી બતાવ્યું. આનાથી મારા ફોલોઅર્સ પર કોઈ અસર નહીં થાય એમ પણ તેને જણાવ્યું.

Niraj Patel