શું તમારું ખાતું Paytm બેંકમાં છે ? તો થઇ જજો સાવધાન…RBIએ કરી મોટી કાર્યવાહી

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વૉલેટ અને ફાસ્ટેગ વગેરેમાં થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (પીપીબીએલ) વિરુદ્ધ આ પગલું વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સના અનુપાલન વેરિફિકેશન રિપોર્ટ પછી લીધું છે.

સેન્ટ્રલ બેંકે કહ્યું, “29 ફેબ્રુઆરી, 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ માધ્યમ, વૉલેટ, ફાસ્ટેગ, એનસીએમસી કાર્ડ વગેરેમાં કોઈ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપને મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, કોઈ વ્યાજ, કેશબેક અથવા રિફંડને ક્યારેય પણ જમા કરી શકાય છે. આની સાથે RBIએ કહ્યું કે Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી બચત બેંક ખાતા, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ માધ્યમ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત પોતાના એકાઉન્ટમાંથી બાકી રકમ કોઇ પણ પ્રતિબંધ વગર ઉપાડી શકે છે.

આ પહેલા RBIએ માર્ચ 2022માં પીપીબીએલને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો જોડવા પર રોક લગાવી હતી. આરબીઆઈએ પેમેન્ટ્સ બેંકને 15 માર્ચ સુધીમાં તમામ પાઇપલાઇન વ્યવહારો અને નોડલ એકાઉન્ટ્સ સેટલ કરવા અને તે પછી અન્ય કોઈપણ વ્યવહારો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની સર્વિસિસને બેન કરવાનો નિર્ણય કંપનીના ઓડિટ રીપોર્ટમાં ખામી આવવાને કારણે લીધો છે.

બેંકનું કહેવુ છે કે કંપની દ્વારા પેશ કરવામાં આવેલ જાણકારીમાં અનિયમિતતા મળી છે. બેંકે પોતાના આદેશમાં એ સ્પષ્ટ નથી કર્યુ કે આ બેન ક્યાં સુધી જારી રહેવાનો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે Paytm પેમેન્ટ્સ બેંકના યુઝર એક મહિના પછી સર્વિસનો ફાયદો નહિ ઉઠાવી શકે. જણાવી દઇએ કે, Paytm થી Fastag રિચાર્જ નહિ કરી શકાય અને જો 31 જાન્યુઆરી સુધીમાં KYC અપડેટ નહિ કર્યું હોય તો પણ Paytm FasTAG નો ઉપયોગ નહિ કરી શકાય.

જો Paytm બેંક તરફથી કોઈ EMI અથવા સ્ટેટમેન્ટ પેન્ડિંગ છે, તો સારું રહેશે કે તેને જલ્દી ક્લિયર કરવામાં આવે. Paytm બેંક ખાતામાં કોઈપણ વ્યવહાર નહિ કરી શકાય અને ના તો કોઈ ટોપ-અપ કરી શકાશે, કે ના કોઇને ગિફ્ટ કાર્ડ મોકલી શકાશે. આ ઉપરાંત Paytm વૉલેટ પણ નહિ રિચાર્જ કરી શકાય. તેનો ઉપયોગ UPI પેમેન્ટ માટે કરી શકાય છે. જો કે, આ માટે તમારું એકાઉન્ટ Paytm બેંકમાં નહીં પણ અન્ય બેંકમાં હોવું જોઈએ.

Shah Jina