ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના ઘૂંટણની થઇ સર્જરી, શું વર્લ્ડ કપમાંથી પણ બહાર થશે રવિન્દ્ર જાડેજા ? જુઓ રાહુલ દ્રવિડે તેના વિશે શું કહ્યું

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈજાના કારણે વર્તમાન એશિયા કપ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેનું હવે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. જાડેજાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને આ અંગેની માહિતી આપી છે. જાડેજાએ કહ્યું કે, તે શક્ય તેટલી વહેલી તકે મેદાનમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.

રવીન્દ્ર જાડેજાએ ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘સર્જરી સફળ રહી. ઘણા લોકોએ ટેકો આપ્યો જેના માટે હું તમારો આભાર માનું છું. આમાં BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડૉક્ટર્સ અને ચાહકોનો સમાવેશ થાય છે. હું જલ્દી જ મારું પુનર્વસન શરૂ કરીશ અને શક્ય તેટલી વહેલી તકે ક્રિકેટના મેદાનમાં પાછા ફરવાનો પ્રયાસ કરીશ. શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર.’

સર્જરી બાદ રવિન્દ્ર જાડેજાને ટી-20 વર્લ્ડ કપ 2022માં રમવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. આ ‘એન્ટીરીયર ક્રુસિએટ લિગામેન્ટ (એસએએલ)’નો કેસ છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી. જો આમ થશે તો રવિન્દ્ર જાડેજાને ફિટ થવામાં લગભગ છ મહિનાનો સમય લાગી શકે છે. જાડેજાના ચાહકો પણ તેના મેદાનમાં પરત ફરવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

જોકે, કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે અત્યારે જાડેજાને T20 વર્લ્ડ કપમાંથી બહાર ગણવો યોગ્ય નથી. રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, ‘રવીન્દ્ર જાડેજાને ઘૂંટણની ઈજા છે અને તે એશિયા કપમાંથી બહાર છે. વર્લ્ડ કપમાં હજુ સમય છે તેથી અમે તેને તેમાંથી બહાર કરી શકીએ તેમ નથી. તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. જ્યાં સુધી અમારી પાસે તેના વિશે ખૂબ જ સ્પષ્ટ ચિત્ર નથી, ત્યાં સુધી તેને બહાર કાઢવો અથવા તેના પર વધુ પડતી ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.’

જાડેજાના ઘૂંટણમાં ઘણા સમયથી સમસ્યા છે. એશિયા કપ પહેલા આઈપીએલ 2022 દરમિયાન રવિન્દ્ર જાડેજાને પણ ઈજા થઈ હતી, જેના કારણે તેને કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડ્યું હતું. ત્યારબાદ જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ દ્વારા મેદાન પર પુનરાગમન કર્યું હતું. ત્યારથી તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે તેનું ટીમમાંથી બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

Niraj Patel