મહિલાઓનો ઠાઠ તો જુઓ ! રાજકોટમાં નીકળેલા શાહી ફૂલેકામાં જોવા મળી આહિર સમાજની પરંપરા, 200 કિલોથી વધુના સોનાના ઘરેણાં પહેરી મહિલાઓ ગરબે ઘૂમી

પરંપરાગત વસ્ત્ર અને શસ્ત્રનો શણગાર:લગ્નના ફુલેકામાં મહિલાઓ 200 કિલોથી વધુના સોનાના ઘરેણાં પહેરી ગરબે ઘૂમી

આજ કાલ તો લગ્નપ્રસંગમાં દેખાદેખી એટલી વધી ગઇ છે કે વાત જ ના પૂછો, પરંતુ હાલમાં રાજકોટમાંથી આ બધાને આડે મૂકતો એક કિસ્સો સામે આવ્યો, જેમાં 200 કિલોથી વધુના સોનાના ઘરેણાંના શણગાર સાથે મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરી અને વરરાજાના ફુલેકામાં નીકળી હતી.

આ સાથે મહિલાઓએ શસ્ત્રો પણ ધારણ કર્યા હતા. આહીર સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ હેરભાના દીકરા સત્યજિતના લગ્નનું ગુરુવારે ફુલેકું કાઢવામાં આવ્યું હતું અને આ દરમિયાન આહીર સમાજની મહિલાઓએ ફેશનેબલ કપડાં પહેરવાને બદલે પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા અને સમાજની ઓળખ એવા સોનાના ઘરેણાંમાં સજ્જ થઈ ગરબા રમ્યા હતા.

આ મહિલાઓ કે જે હેરભા પરિવારના શાહી ફુલેકામાં સામેલ થઇ હતી તેઓએ 200 કિલોથી વધુ સોનાના ઘરેણાઓ પહેર્યા હતા અને ગરબે પણ ગુમ્યા હતા. માત્ર સ્ત્રીઓ જ નહિ પણ પુરુષોએ પણ સમાજની પરંપરા મુજબનો પહેરવેશ ધારણ કર્યો હતો.

આ સાથે નાસિકથી 50 જેટલા બેન્ડબાજાના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને પાંચ જેટલી બગીઓ તેમજ સંખ્યાબંધ અશ્વ સાથે શાહી ફુલેકુ નીકળ્યું હતું. આ દરમિયાન અંદાજિત 400થી 500 જેટલા લોકો જોડાયા હતા. એવું પણ સામે આવ્યુ છે કે ફુલેકામાં જે પૈસા ઉડાડવામાં આવ્યા હતા તે ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવશે.

Shah Jina