રાજકોટમાં કિશન કેસમાં ન્યાય માંગણી કરવા રસ્તા ઉપર ઉમટેલા લોકો પર ખુલ્લી બંદૂક લઈને પોલીસકર્મી…

ધંધુકામાં થયેલ કિશન ભરવાડ હત્યાકાંડના પડઘા આખા દેશની અંદર પડ્યા છે, ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં રેલીઓ યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ માલધારી સમાજ અને હિન્દૂ સંગઠનો તેમજ સ્થાનિક યુવકો દ્વારા રેલી યોજવામાં આવી હતી.

રાજકોટમાં રેસકોર્સ રોડ ઉપર થઈને કલેકટર કચેરીએ જતા રસ્તા ઉપર માલધારી સમાજનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. માલધારી સમાજ સાથે હિન્દૂ સંગઠનો અને સ્થાનિક યુવાનો પણ રેલીમાં મોટી સંખ્યાની અંદર જોડાયા હતા. આ દરમિયાન “કિશનના હત્યારાઓને ફાંસી આપો… ફાંસી આપો…, હિન્દુ સંસ્કૃતિ જિંદાબાદ”ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

ત્યારે રાજકોટમાં ચાલી રહેલી આ રેલી ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા નાસભાગ પણ મચી ગઈ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે, એક પોલીસ કર્મચારી ઉગ્ર બની આને હાથમાં રિવોલ્વર કાઢીને દેખાવકારો પાછળ દોડ્યો હતો.

દેખાવકારો પાછળ રિવોલ્વર લઈને દોડતો પોલીકર્મી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હજુ આ બાબતની કોઈ પુષ્ટિ નથી થઇ. પોલીસકર્મીને રિવોલ્વર સાથે ભાગતા જોઈને લોકોમાં પણ ઊંડો આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા યુવાનોના વાહનોમાં પર લાઠીઓ ફટકારવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક યુવાનો ઇજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે તો કેટલાક યુવાનોના વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Niraj Patel