કોરોનાની સારવાર માટે ખેડૂતના પરિવારે 1.11 લાખ ખર્ચ્યા છતાં પણ જીવ ના બચ્યો, ફાટેલી PPE કીટમાં લોહી નીતરતી લાશ સ્મશાને મોકલાઈ

કોરોનાના સંક્ર્મણ કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, આ દર્મિયા ઘણી ઘટનાઓ અને દૃશ્યો હૃદય કંપાવી દેનારી પણ હોય છે, તો ઘણી જગ્યાએ હોસ્પિટલની બેદરકારી પણ જોવા મળે છે. આવી જ ઘટના હાલ રાજકોટમાં જોવા મળી, જેને  જોતા જ લાગી આવે કે ખરેખર માનવતા મરી પરવારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ચાંપાથળ ગામના ખેડૂત રસિકભાઇ વધાસિયા કોરોના સંક્રમિત થવાના કારણે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર મુકેશભાઈએ જણાવ્યું હતું કે “સારવાર માટે હોસ્પિટલ દ્વારા અમારી પાસેથી 1.11 લાખની ફી તબક્કાવાર લેવામાં આવી હતી. મારા પિતાના મૃત્યુની સવારે 9.30 વાગે જાણ કરાયા બાદ બપોરે લાશ સોંપવામાં આવી હતી, જેમાં કાન અને નાકમાંથી સતત લોહી વહી રહ્યું હતું. ભારે હોબાળો થતા અંતે પોલીસ બોલાવવામાં આવી હતી.”

ત્યારે મૃતકના સ્વજનો દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં પોલીસ અને તબીબોની સમજાવટ બાદ પરિવાર લાશને અંતિમ સંસ્કાર કરવા માટે લઇ ગયા હતા.

સારવાર દરમિયાન ખેડૂતનું મોત થતા હોસ્પિટલે ફાટેલી પીપીઇ કીટમાં મૃતદેહને બંધ કરી લોહીથી નિતરતો મૃતદેહ સ્મશાન ખાતે મોકલ્યો હોવાથી ખુબ જ મોટો હોબાળો મચ્યો હતો. આ ઉરપટ સારવાર માટે હોસ્પિટલ દ્વારા 1.11 લાખની ફી પણ વસુલવામાં આવી હતી.

આ બાબતે મૃતકના પુત્ર મુકેશભાઈએ આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે “હોસ્પિટલવાળાએ સમજાવ્યું કે ઓક્સિજનની નળી કાઢી એટલે લોહી નીકળે છે, પરંતુ લોહી કંઇ રીતે નીકળી શકે. આ વાત ગળે ઊતરે એવી નથી. મારા પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લાવ્યા હતા.”

Niraj Patel