પત્નીના મોઢે સેલો ટેપ લગાવીને…વકીલ પતિએ પત્નીને એવું ભયાનક મૃત્યુ આપ્યું કે પોલીસ પણ ગોટે ચડી ગઈ, હવે કોર્ટે ફટકારી આકરી સજા

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચકચારી કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર પતિ દ્વારા પત્ની અથવા તો પત્ની દ્વારા પતિની હત્યા કરવામાં આવતી હોય છે. ઘણીવાર આવી હત્યા સંપત્તિની લાલચમાં તો ઘણીવાર પ્રેમ સંબંધોની લાલચમાં કરવામાં આવે છે. તો ઘણીવાર કંકાસને કારણે અથવા તો દંપતિ વચ્ચે મનમેળ ન આવતા પણ હત્યાને અંજામ આપવામાં આવતો હોય છે.

ત્યારે રાજકોટમાંથી વર્ષ 2014માં એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એડવોકેટ મુકેશ વ્યાસે પત્ની શિલ્પાના મોઢે ખાખી સેલો ટેપ વીંટી ગૂંગળાવી હત્યા નિપજાવી હતી અને તે બાદ આ કેસમાં હવે કોર્ટે મુકેશને તકસીરવાન ઠેરવ્યો છે. આ ઉપરાંત તેને મદદગારી કરનાર કેયુર કિશોર હીરાણીને પણ તકસીરવાન ઠેરવી બંનેને આજીવન કેદની સજા ફટકારી છે અને સાથે સાથે એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. આ ઘટનાથી રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે.

કોર્ટે દંડની રકમ મૃતકના વારસોને ચુકવવા આદેશ કર્યો છે. આ સનસનીખેજ કિસ્સાની વિગત જોઇએ તો, રાજકોટમાં સંતકબીર રોડ પર આવેલા બ્રાહ્મણીયાપરામાં રહેતા અને વકીલાત કરતા મુકેશ વ્યાસના પહેલા લગ્ન દીપ્તિ સાથે થયા હતા અને આ લગ્નથી તેને એક પુત્રી અવની પણ છે. પરંતુ દંપતી વચ્ચે મનમેળ ન આવતા બંનેના છુટાછેડા થયા હતા.

પ્રતિકાત્મક તસવીર

જેમાં છુટાછેડા થતાં મુકેશે તેની પુત્રી અવનીને કોઠારીયારોડ પર બ્રાહ્મણીયા હોલ નજીક રહેતા પોતાના મામાનાં ઘેર ઉછેર માટે મોકલી આપી હતી. તે બાદ મુકેશને સંતકબીર રોડ પર યોજાતી ગરબીઓમાં ગરબા અને ભજન ગાતી શિલ્પા સાથે પરીચય થયો અને રાજારામ સોસાયટી શેરી નં.5માં રહેતા મહેશભાઈ પરસોતમભાઈ વાઘેલાની બે પુત્રીઓ શિલ્પા તથા શ્રદ્ધા પૈકી શિલ્પાના પ્રથમ લગ્ન પ્રથમ વાંકાનેરના મિતેષ માંડાણી સાથે થયા હતા.

જયાં દાંમ્પત્ય જીવનના ફળસ્વરૂપ પુત્રી ભાવિકોનો જન્મ થયો હતો. પરંતુ દંપતી વચ્ચે વારંવાર ઘરકંકાસ થવા લાગ્યો અને તેના કારણે શિલ્પાના પણ તેના પતિ મિતેષ વચ્ચે છુટાછેડા થયા હતા (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે) અને શિલ્પાની પુત્રી ભાવીકા શિલ્પાના પીયર રહેવા લાગી હતી. ગરબીમાં શિલ્પા તથા મુકેશ વચ્ચે થયેલો પરિચય પ્રેમ સંબંધમાં પલટાયો હતો અને બન્નેએ 2013માં કોર્ટમાં રજીસ્ટર મેરેજથી પ્રેમલગ્ન કરી લીધા હતા.

બનાવ વખતે 3 ભાઈમાં નાના મુકેશના મોટાભાઈઓ ગુણવંતભાઈ રઘુવીરપાર્કમાં તથા જીતુભાઈ બ્રાહ્મણીયાપરામાં રહેતા હતા. તારીખ 12 ફેબ્રુઆરી 2014ના રોજ મુકેશ અને શિલ્પા બંને શિલ્પાના પિતાના ઘરે જમવા ગયા ત્યારે ઘરે આવી રાત્રે 9-30 થી 10 વાગ્યા સુધી ટીવી પર સરસ્વતીચંદ્ર સીરીયલ નિહાળી હતી અને 10.15 વાગ્યે બન્ને બહાર સોડા પીવા ગયા જે બાદ રાત્રે 11 વાગ્યે પરત આવી નિંદ્રાધીન થયા હતા.

જે પછી સવારે મુકેશ પોતાના ઉપરના માળેથી પાછળથી હાથ બાંધેલી હાલતમાં લડથલીયા ખાતો નીચે ઉતર્યા અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ, પાડોશીઓ દોડી આવ્યા હતા. આ દરમિયાન મુકેશે મનઘડંત કહાની ઘડી કે, લૂંટારૂ આવ્યા હતા અને તેણે બાંધી દીધો. આ ઉપરાંત પત્ની શિલ્પાને હાથ અને મોઢે સેલોટેપ બાંધી દીધી. શિલ્પાને બેભાન અવસ્થામાં લઇ જવામાં આવી અને તબીબે શિલ્પાને મૃત જાહેર કરી હતી. જે બાદ ઘટનાની જાણ થતા બી.ડિવિઝન પોલીસ પણ દોડી આવી અને ત્યારે શિલ્પાના પિતાએ આક્ષેપ કર્યો કે મુકેશે જ તેની દીકરી શિલ્પાને મારી નાખી છે.

મુકેશને ડાબા હાથમાં અને શરીરના અન્યભાગમાં ઇજા હોવાથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને શિલ્પાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. જ્યાં શિલ્પાના શરીરમાં કોઈ ઇજા ન હોય પરંતુ તેના મોઢે અને નાકે ખાખી સેલો ટેપ વીંટી દેવાતા ગૂંગળાઈ જવાથી મોત થયાનું ખુલ્યું હતું. જ્યારે પોલીસે મુકેશની પૂછપરછ કરી તો તેણે મનઘડંત કહાની ઉભી કરી કહ્યુ કે, પતિ-પત્ની સુતા હતા ત્યારે મોડીરાત્રે ચારથી પાંચ શખ્સો ઘરમાં આવ્યા અને તેમણે બંનેને પ્લાસ્ટીકની દોરીથી બાંધી દીધા. આ ઉપરાંત બંનેના મોં પર પાર્સલ પેકીંગ માટે ઉપયોગમાં લેવાતી ખાખી ટેપ લગાડી દીધી. જે બાદ તેઓ લુંટ કરી ભાગી ગયા હતા.

જો કે તપાસમાં મુકેશની કડકાઇથી પૂછપરછ કરતા પત્નીની હત્યા કર્યાનું ખુલ્યું હતું. પોલીસે આઈપીસી 302, 120બી, 201 મુજબ ગુનો નોંધેલો, તપાસમાં સામે આવ્યું હતું કે, પત્નીની હત્યા કર્યા પછી મુકેશે કેયુર હીરાણીને બોલાવી પોતાના હાથ અને મો પર થોડી સેલોટેપ વીંટી દેવા કહ્યું હતું. જેથી મદદગાર તરીકે કેયુરને પણ આરોપી બનાવાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ ધારદાર દલીલો કરી જે બાદ કોર્ટે વકીલ મુકેશ વ્યાસ અને આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા અને આકરી સજા ફટકારી.

Shah Jina