રાજકોટમાં ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત…રાહદારીને બચાવવા જતા બાઇક ખાડામાં પડ્યુને ટેન્કરના વ્હીલ ફરી વળ્યા…

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી એક ચોંકાવનારા અકસ્માતની ખબર સામે આવી રહી છે. સામા કાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ દરમિયાન બાઈક સવાર પિતા-પુત્રનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ કાફલો અને ટ્રાફિક એસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહોને પીએમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે આ ઘટનાની જાણ મૃતકના પરિવારને થતા દુઃખની લાગણી છવાઇ છે. મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર ઘરે જ ચેઇન કટીંગ કરીને મજૂરી કામ કરતા અને અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાને કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો.

ત્યારે સવારે 8:30 વાગ્યા આસપાસ જ્યારે બંને પિતા-પુત્ર બાઇક પર જઈ રહ્યા હતા તે સમયે રાહદારીને બચાવવા જતા અને રસ્તાની વચ્ચે પડેલા ખાડાને કારણે બાઇકનું બેલેન્સ બગડ્યુ અને પિતા-પુત્ર રોડ પર પડ્યા અને ટેન્કરનાં વ્હીલ તેમના પર ફરી વળ્યાં.

Shah Jina