આવતા મહિને દીકરીનું કન્યાદાન કરવાના ઓરતા અધૂરા રહી ગયા, રાજકોટમાં કોરોના ASI અને તેમની પત્નીને ભરખી ગયો

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. આ કાળમુખા કોરોનાએ કેટલાય પરિવારને ઉજાળી દીધા છે. ઘણા પરિવારના મોભી અને વ્હાલસોયા સ્વજનોનો ભોગ આ કોરોનાએ લઇ લીધો છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક એવી જ ખબર આવી રહી છે. જ્યાં કોરોના એક પતિ પત્નીને ભરખી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બી-ડિવિઝનમાં ફરજ બજાવતાં 47 વર્ષીય ASI અમૃતભાઇ માયાભાઇ રાઠોડને કોરોના સંક્ર્મણ થયું હતું અને ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હતો, પરંતુ તબિયત બરાબર થઇ ન હોવાથી તેઓ સિવિલમાં સારવાર હેઠળ હતા.

ત્યારે 19 એપ્રિલના બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. જેના કારણે શહેર પોલીસમાં શોક વ્યાપી ગયો હતો. પુત્ર-પરિવારજનો અંતિમવિધિ આટોપીને હજુ આવ્‍યાં હતાં ત્‍યાં મોડી રાતે એકાદ વાગ્‍યે અમૃતભાઇનાં ધર્મપત્‍ની લાભુબહેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના થયો હોવાથી ઘરે જ સારવાર લઈ રહ્યાં હતાં.

અમૃતભાઇ અને લાભુબહેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં પુત્ર સૌથી નાનો છે. ત્રણ ભાઈ-બહેનોએ બાર કલાકના ગાળામાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. પતિ પત્નીના સાથે દેહાંતના કારણે રામનાથપરા પોલીસલાઇનમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.

દુઃખની વાતો એ હતી કે આવતા મહિને 24મી મેના રોજ આ દંપતીની એક દીકરીના લગ્ન લેવાયા હતા, ત્યારે જે માતા પિતાના હાથે કન્‍યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાં વેરણછેરણ થઈ ગયાં છે.

Niraj Patel