વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા ! રાજકોટના વેપારી પર ફાયરિંગ કરી 70 લાખની લૂંટ કરી લૂંટારૂ ફરાર

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોની હત્યા અથવા તો તેમની સાથે લૂંટના કિસ્સા સામે આવે છે. ત્યારે એક કિસ્સો સામે આવ્યો, જેમાં દક્ષિણ આફ્રિકામાં એક ગુજરાતીની હત્યાથી રાજકોટમાં ચકચાર મચી ગઇ. પાંચેક વર્ષથી ઇસ્ટ આફ્રિકાના મડાગાસ્કરમાં રહેતા રાજકોટના વેપારીની છાતીમાં ગોળી મારવામાં આવી હતી અને લગભગ 70 લાખની રોકડ તેમજ લેપટોપની લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ યુવકના પિતા રાજકોટથી રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ રાજકોટના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ આફ્રિકાના મેડાગાસ્કર આઇલેન્ડમાં સ્થાયી થયેલ હરેશ નેભાણી પિતરાઈ ભાઈ સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે જ બાઇક પર આવેલા શખ્સોએ લૂંટવાના ઈરાદે તેમનો પીછો કર્યો અને પછી કાર આંતરી હરેશ પર ફાયરિંગ કર્યુ.ફાયરિંગ કર્યા બાદ તેઓ કારમાંથી 70 લાખ જેટલા રોકડા અને લેપટોપની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા.

ઘટના જ્યારે બની ત્યારે મૃતક હરેશની સાથે રહેલ તેનો પિતરાઇ ભાઇ સાગર પણ હતો અને સાગરનો આ ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ થયો હતો. અનાજ-કરિયાણાનો વેપાર કરતા હરેશને તક મળતા જ તે ધંધાર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો અને તેણે છેલ્લા પાંચેક વર્ષમાં આફ્રિકામાં પોતાનો બહોળો ધંધો પણ જમાવી દીધો હતો.ત્યારે ટૂંકા ગાળામાં વેપારમાં પ્રગતિ કરનાર હરેશે પોતાના સેટ થયા બાદ પત્ની, પુત્ર અને માતા-પિતાને પણ સાઉથ આફ્રિકા તેડાવી લીધા હતા.

આ સાથે તેણે ધંધામાં ઉત્તરોતર વિકાસ થયા બાદ પિતરાઇ ભાઇ સાગરને પણ બોલાવી લીધો હતો. ત્યારે 15 દિવસ પહેલા જ સાગર સાઉથ આફ્રિકા ગયો અને આ ઘટના બનતા પરિવાર સાથે સાથે તે પણ આઘાતમાં છે. આ ઘટનાને કારણે પરિવારજનોમા કાળો કલ્પાંત સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના દસેક દિવસ પહેલા બની હતી.

Shah Jina