રાજકોટ: પાણીના ધસમસતા પ્રવાહમાં જે i20 કાર તણાઇ હતી તેમાંથી મળ્યો ઉદ્યોગપતિનો મૃતદેહ, ડ્રાઇવર હજી પણ લાપતા

ગઈકાલે સોમવારના રોજ રાજકોટ શહેરમાં સવારના ૬ વગથી તથા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના લીધે રાજકોટ સિટીમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 21 ઇંછ વરસાદ લોધિકા તાલુકામાં પડ્યો હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

ગુજરાત રાજયમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે, ત્યારે જામનગર અને રાજકોટ તો આખુ પાણી-પાણી થઇ ગયુ છે. જૂનાગઢમાં પણ મેઘ કહેર જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ઘણા પંથકમાં મેઘરાજા મન મૂકી વરસી  રહ્યા છે. રાજકોટમાં ગઇકાલે મેઘ તાંડવ સર્જાયુ  હતુ, જેના કારણે ખીરસરા પાસે આવેલ છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i20 કાર તણાઇ ગઇ હતી, જેમાં માલિક કિશન શાહ સહિત 3 લોકો સવાર હતા.

ત્યારે આજના રોજ પેલિકન ફેક્ટરીના માલિક કિશન શાહનો મૃતદેહ મળી કારમાંથી મળી આવ્યો છે. તેમજ બીજા બે વ્યક્તિની શોધખોળ છેલ્લા 24 કલાકથી કરવામાં આવી રહી છે. i20 કાર પાણીમાં તણાઇ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં આજે માલિક કિશનભાઇનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ફસાયેલી મળી આવી હતી.

કિશનભાઇ શાહ કે જેમની ઉંમર 50 વર્ષ છે, તેમના ડ્રાઇવર અને અન્ય ત્રણ વ્યક્તિ કારમાં છાપરા ગામે આવેલ ફેક્ટરી જ નીકળ્યા હતા ત્યારે આણંદપર-છાપરા ગામે આવેલા બેઠા પુલ પર પહોંચ્યા ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો.

આ સમયે ડ્રાઈવરે આગળ જવાની ના પાડી હતી અને તેમ છતાં કિશનભાઈએ કાર આગળ ચલાવવા કહ્યું જેને કારણે કારમાં જે બે વ્યક્તિ બેઠેલી હતી તે ત્યાં જ ઊતરી ગઈ હતી અને ડ્રાઈવરે કાર ચલાવી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર હતું કે, હુન્ડાઈ i ૨૦ ગાડી જ્યારે પાણીમાં તણાઇ રહી હતી તેમાં કુલ 3 લોકો સવાર હતા. આ ઘટનાની જાણ રાજકોટ મનપાના ફાયર વિભાગને થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

વરસાદની વચ્ચે પણ ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ ટીમ તરફથી આ ગાડી તેમજ તેમાં સવાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન સંજય બોરીચા નામનો યુવાન મળી આવ્યો હતો, કે જે i ૨૦ ગાડીમાં હાજર હતો. સંજય બોરીચા નામના યુવાને કાર કઈ રીતે તણાઈ તે બાબતનો અહેવાલ ફાયર વિભાગ તેમજ અન્ય પરિવારજનોને જણાવ્યો હતો.

કારની ડ્રાઇવિંગ સીટ ઉપર પોતે કિશન શાહ બેઠા હતા અને તેમનો ડ્રાઈવર બાજુમાં બેઠો હતો અને પાછળની સીટમાં સંજય બોરીચા નામનો યુવાન બેઠો હતો. ધોમ પાણીના પ્રવાહમાં કાર તણાઈ ત્યારે સંજય બોરીચાનો આકસ્મિક બચાવ થયો હતો. સંજય બોરીચાએ જણાવ્યું હતું કે, જ્યારે તે કારમાંથી બહાર નીકળ્યો ત્યારે તેમણે કિશનભાઇ શાહ અને તેમના ડ્રાઇવરના માત્ર હાથ ઊંચા થયેલા જોયા હતા.

આ સમયે ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાવા લાગી, જેથી ત્યાં હાજર લોકોએ કારના કાચ ખોલીને એક વ્યક્તિને બચાવી લીધી, પરંતુ કિશનભાઈ અને તેમના ડ્રાઈવર કાર સાથે તણાઈ જતાં બન્ને લાપતા બથયા હતા. ઘટનાની જાણ NDRF અને ફાયરબ્રિગેડને કરવામાં આવતાં કાફલો દોડી ગયો હતો અને શોધખોળ શરૂ કરી હતી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. અનેક લોકો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલિસ, NDRF અને SDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જામકંડોરણાનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. સદનસીબે કોઈ નુકસાન થવા પામ્યુ નથી. જામનગર શહેર સહિત જિલ્લામાંથી 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે.

Shah Jina