તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાં અખાદ્ય પદાર્થો નીકળ્યા, હિમ્મત હોય જ આખી વિગત વાંચજો
આજકાલ લોકો બહારની ખાણીપીણીને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. પરંતુ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે બહારનું ખાતા પહેલા સો વાર વિચારવું પડે. આરોગ્ય વિભાગ દ્વારા અવાર નવર કેટલીય જગ્યાએ દરોડા પણ પાડવામાં આવે છે અને હોટલ અને દુકાનોમાંથી અખાદ્ય જથ્થો પણ પકડાતો હોય છે. તો ઘણીવાર રેસ્ટોરન્ટના ફૂડમાં જીવાત કે વાળ આવવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે હાલ રાજકોટમાંથી એક એવી જ ઘટના સામે આવી છે.
બેકરીમાં દરોડા :
રાજકોટમાં આરોગ્ય વિભાગ અખાદ્ય સામગ્રીને લઈને હવે એક્ટિવ બન્યું છે અને અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં પણ આવી રહ્યા છે. તો બીજીતરફ ભેળસેળીયા વેપારીઓ પણ બેફામ બન્યા છે. રાજકોટમાં આવેલી મહીં લાઈવ બેકરીમાં પણ આરોગ્ય વિભાગના દરોડા પડ્યા હતા. જ્યાંથી તેમને એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહીત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, આ ઉપરાંત કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવતા જ ચકચારી મચી ગઈ હતી.
145 કિલો અખાદ્ય જથ્થો મળ્યો :
આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સીટી રોડ પાસે આવેલ રવિરત્ન ચોક નજીક જલારામ-4 મેઇન રોડ પર આવેલી માહિ લાઇવ બેકરીમાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બેકરી તાજી કેક આપવાનો દાવો કરતી હતી, પરંતુ તાજી કેકના નામ પર ગ્રાહકો સાથે જ ચેડાં કરવામાં આવતા હોય તેમ સામે આવ્યું હતું તેમાંથી 145 કિલો જેટલો અખાદ્ય જથ્થો આરોગ્ય વિભાગની ટીમને મળી આવ્યો હતો.
19 ધંધાર્થીઓને નોટિસ :
આ ઉપરાંત આવેલ કેકે લાઈવ પફમાં પણ ચીકિન્ગ હાથ ધરવામાં આવ્યું, ત્યાંથી પણ આરોગ્ય વિભાગને 9 કિલો અખાદ્ય સોસનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં દાણાપીઠ, જૂનો માર્કેટિંગ યાર્ડ, પ્રબજાર સહીત 10 અલગ અલગ જગ્યાએથી સીંગતેલના નમૂના લેવામાં આવ્યા અને 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.