ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજકાલની યુવા પેઢી કોઇના કોઇ કારણસર અથવા તો નજીવા કારણસર આપઘાત જેવું પગલુ ભરી લેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓમાં વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ અગ્રેસર જોવા મળી રહ્યુ છે, ત્યારે હાલ આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં એક 26 વર્ષિય યુવકે પોલિસમાં ભરતી માટે ફોર્મ ભર્યુ હતુ પરંતુ તે પરીક્ષા વખતે તેની દોડ પૂરી કરી શક્યો નહિ અને આ વાતે તે નિરાશ થઇ ગયો અને તેણે ઝેરી દવા પી જીવનનો અંત આણી દીધો. જુવાનજોત દીકરાના મોતને કારણે પરિવાર પણ આઘાતમાં ગરકાવ થઇ ગયો.
ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના સરધાર નજીક સાજડીયાળી ગામના રહેવાસી નિકુંજ મકવાણી કે જેની ઉંમર 26 વર્ષ છે તેણે ગઇકાલના રોજ ઝેરી દવા પી લીધી હતી. જો કે, તેને 108 દ્વારા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેણે થોડા કલાકની સારવાર બાદ દમ તોડી દીધો. આ ઘટનાને લઇને પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયુ છે. આ ઘટનાની જાણ હોસ્પિટલ ચોકીના વાલજીભાઇએ આજીડેમ પોલિસમથકના ASIને કરી હતી અને તે બાદ તપાસ હાથ ધરવાામાં આવી હતી.

પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, મૃતક નિકુંજ ત્રણ ભાઇઓમાં નાનો હતો અને તેના પિતા લુહારી કામ કરે છે. તે પોલિસમાં ભરતી માટેની તૈયારી કરતો હતો અને તેણે ફોર્મ પણ ભર્યુ હતુ પરંતુ આ ભરતી માટીને દોડમાં તે નાપાસ થયો અને તે નિરાશ થઇ ગયો હતો, જેને કારણે તેણે ગઇકાલના રોજ ઝેરી દવા પી અને જીવનનો અંત આણીદીધો. દીકરાના મોતને કારણે જાણે પરિવાર પર તો આભ તૂટી પડ્યુ છે. સમગ્ર પરિવાર સહિત ગામમાં શોકની લહેર છવાઇ ગઇ છે.