રાજકોટમાં પપ્પાએ ગામડાની જમીન 80 લાખ રૂપિયામાં વેચીને 67 લાખ ઘરમાં રાખ્યા હતા જે ગાયબ થઈ ગયા, છેલ્લે દીકરાએ કરી આત્મહત્યા

શેરબજાર નહિ પણ આ કારણે રાજકોટમાં 25 વર્ષના પટેલ યુવાને કરી આત્મહત્યા, હવે ખુલ્યું અંદરનું રહસ્ય

છેલ્લા ઘણા સમયથી લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, કારણ કે કોરોનાના કારણે ઘણા લોકોના નોકરી ધંધા બંધ થઇ ગયા છે, તો બીજી તરફ આજનું યુવાધન બહુ જ જલ્દી પૈસા વાળા બનવાના સપના પણ જોતું હોય છે, જેના કારણે ઘણીવાર એવા કામ કરી બેસે છે કે જેનાથી તેમને મોટી મુસિબત પણ થતી હોય છે.

થોડા દિવસ પહેલા જ રાજકોટમાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં એક યુવાને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, જેની પાછળનું કારણ સટ્ટા બજારમાં લાખો રૂપિયા ગુમાવી દીધા હોવાનું હતું, જેના બાદ પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું અને પોતાના વ્હાલસોયા દીકરાના અકાળે મોતથી આખો પરિવાર તૂટી ગયો હતો.

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માણી પાર્કની શેરી નંબર 1માં રહેતા 25 વર્ષીય યુવાન રોહિત ગોરધનભાઈ રૈયાણીએ પોતાના ઘરના ઉપરના રૂમમાં બારીની એન્ગલમાં ચાદર બાંધીને ગળે ટુંપો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જયારે તેના પરિવારજનો તેને જમવા માટે બોલાવવા માટે ગયા ત્યારે રોહિતનો મૃતદેહ લટકતો જોઈને પરિવારની ચીસ નીકળી ગઈ હતી. પરિવારે 108ને ફોન કર્યો હતો જેના બાદ તેના EMT દ્વારા રોહિતને મૃત જાહેર કરીને પોલીસને ફોન કરવામાં આવ્યો હતો.

રોહિતના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “રોહિત પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો જેમાં તે તેને મદદ પણ કરી રહ્યા હતા, તેના લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા અને ધામધૂમથી લગ્ન કરવાનું આયોજન હતું, જેના માટે ગામની જમીન પણ 80 લાખમાં વેચી દીધી હતી, જેમાંથી 13 લાખ રૂપિયા ઉધારી ચૂકવી અને બાકીના 67 લાખ ઘરમાં રાખ્યા હતા.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “હું કોઈ સામાજિક કાર્યક્રમ માટે બહાર ગયો હતો, જયારે ઘરે પરત આવ્યો ત્યારે 67 લાખ રૂપિયા ઘરમાં નહોતા, જેના વિશે તેમને રોહિતને પૂછ્યું તો રોહિતે આ પૈસા શેર બજારમાં રોક્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ અઠવાડિયા બાદ તે મૂંઝવણમાં રહેતો હતો અને પોતાના મનની વાત કોઈને જણાવતો નહોતો, આખરે તેને ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી દીધું.”

ત્યારે આ મામલે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે, “રોહિતે ફ્યુચર ઓપશનમાં પૈસા રોક્યા હોતા તો તેનાં નિયમ પ્રમાણે લેવડદેવડ ચેકથી થઇ હોતી, પરંતુ આ લેવડદેવડ રોકડથી થઇ છે જેના કારણે રોહિત ડબ્બા ટ્રેડિંગમાં જોડાયેલો છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.”

અમદાવાદ સ્ટૉક ઍક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને અગાઉ સેબી સાથે સંકળાયેલા ઑલ ગુજરાત ઇન્વેસ્ટર ટ્રસ્ટના પ્રમુખ હેમંતસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, “2004 અને 2005માં ગુજરાતમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ખૂબ ચાલતું હતું ત્યારે આ ડબ્બા ટ્રેડિંગ પર લગામ કસવા માટે ઑલ ગુજરાત ઇન્વેસ્ટર ટ્રસ્ટને સત્તા અપાઈ હતી અને એ સમયે ડબ્બા ટ્રેડિંગ પર કાબૂ લાવી શકાયો હતો.

“પણ સેબીએ હવે ટ્રસ્ટ પાસે આ શક્તિઓ નથી રાખી એટલે રાજકોટ, અમદાવાદ, ઊંઝા, પાલનપુર, સુરત અને વડોદરામાં કેટલાક બ્રોકર ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ કરે છે, જેને સેબી કે સ્ટૉક ઍક્સચેન્જ સાથે કોઈ સંબંધ નથી. આ લોકો કાગળની ચિઠ્ઠી પર શૅરબજારમાં તેજી-મંદીના સોદા કરે છે, આ પ્રકારની ટ્રેડિંગમાં બ્રોકરેજ સરખુંજ હોય છે પણ આ રીતે બ્લૅકના પૈસાથી શૅરબજારમાં સોદા થઈ શકે છે જ્યારે ફ્યૂચર ઍન્ડ ઑપ્શનમાં આ પ્રકારે સોદા નથી થઈ શકતા. ફ્યૂચર ઍન્ડ ઑપ્શન્સમાં અમુક રકમ ભરીને મંદી-તેજીના સોદા થાય છે પણ એ પૈસા ચૅકથી ડિમેટ એકાઉન્ટમાં ચૂકવવાના હોય છે.”

“ફ્યૂચર ઍન્ડ ઑપ્શનમાં દર મહિનાના છેલ્લા ગુરુવારે તમામ સોદાનો હિસાબ અને ચુકવણી થાય છે જે વ્હાઇટના પૈસામાં કરવું પડે છે એટલે આવા 60થી 70 લાખ રૂપિયાના સોદા મોટા બ્રોકરો કરતા હોય છે.” (સૌજન્ય: BBC મીડિયા)

Niraj Patel