ખેડૂતોના માથે વધુ એક સંકટ.. આ 3 દિવસ રહેશે તેમના માટે ભારે, માવઠાને લઈને હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં વાતવરણની અંદર સતત પલટો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ છે તો કેટલીય જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે. ઉનાળાની અંદર પડી રહેલા વરસાદી માવઠાના કારણે ખેડૂતો પણ પરેશાન થઇ ગયા છે અને તેમના પાકને નુકશાન થવાની પણ ચિંતા સતાવી રહી છે. (પ્રતીકાત્મક તસવીરો)
ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની એક ચોંકાવનારી આગાહી પણ સામે આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રામણે આગામી 30 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધીમાં ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 માર્ચની રાતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી ક્ષેત્રમાં પહોંચશે. જેના પગલે 30 માર્ચે હળવો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર, મોરબીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા માવઠું પડી શકે છે. સાથે જ રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, અમદાવાદ,ગાંધીનગર, મહેસાણામાં પણ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે આજે વહેલી સવારથી જ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ હોવાથી તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા છાંટા પડ્યા હોવાની ખબર પણ સામે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે વહેલી સવારથી જ શહેરમાં જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 16 જિલ્લામાં માવઠાનું સંક્ટ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.