રેડિયો પર ગુંજવાવાળી મખમલી અવાજ થઇ ખામોશ, ફેમસ રેડિયો અનાઉન્સરનું થયુ હાર્ટ એટેકથી નિધન

 

એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં ફરી એકવાર સન્નાટો છવાઇ ગયો છે. ‘નમસ્કાર ભાઇયો ઔર બહેનો, મેં આપકા ગોસ્ત અમીન સાયાની બોલ રહા હૂં’ 42 વર્ષ સુધી પોતાના આ શાનદાર અંદાજ અને અવાજથી લોકોને રેડિયોના દીવાના બનાવનાર અમીન સાયાની હવે નથી રહ્યા. તેમનું 91 વર્ષની વયે મુંબઇમાં નિધન થયુ છે. દીકરા રજિલે જણાવ્યુ કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જે પછી તેમને હેસ્પિટલ લઇ જવાયા હતા. રજિલે કહ્યુ કે- પિતાના અંતિમ સંસ્કાર ગુરુવારે થશે, કેટલાક સંબંધીઓની રાહ જોવામાં આવી રહી છે.

અમીન સાયાનીએ 1952થી1994 સુધી રેડિયો શો ગીતમાલાને હોસ્ટ કર્યો હતો. અમીન સાયાનીને કારણે આ રેડિયો શેને દેશભરમાં લોકપ્રિયતા મળી હતી. 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઇમાં જન્મેલા અમીન મલ્ટીલિંગુઅલ ફેમીલીથી તાલ્લુક રાખતા હતા. તેમણે રેડિયો પ્રેજેંટર તરીકે પોતાના કરિયરની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયો, મુંબઇથી કરી હતી. તેમના ભાઇ હામિદ સાયાનીએ તેમને ઇંટ્રોડ્યુસ કરાવ્યા હતા.

10 વર્ષ સુધી તેઓ ઇંગ્લિશ પ્રોગ્રામ્સનો ભાગ રહ્યા અને આઝાદી બાદ તેમણે હિંદી તરફ રુખ કર્યો. સાયાનીએ અસલ ઓળખ ડિસેમ્બર 1952માં શરૂ થયેલ રેડિયો શો ગીતમાલાથી મળી હતી. અમીનને ભારતીય રેડિયોના ગ્રૈંડ ઓલ્ડ મેન કહેવામાં આવતા હતા. રેડિયો સિવાય અમીન ‘ભૂત બંગલા’, ‘તીન દેવિયાં’, ‘બોક્સર ઔર કત્લ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. અમીન સાયાનીના નિધનથી રેડિયોની દુનિયામાં એક યુગનો અંત આવ્યો છે.

તેમની પાસે આઝાદી પહેલાની વાર્તાઓ પણ હતી, જે તેઓ પૂરા રસથી સંભળાવતા હતા. અમીન સાયાનીની છ દાયકાની લાંબી રેડિયો કારકિર્દી રેકોર્ડિંગના રૂપમાં સમૃદ્ધ ખજાનાની જેમ આપણી પાસે છે. તેમણે લગભગ 54 હજાર રેડિયો પ્રોગ્રામ કર્યા હતા. આ સિવાય તેમણે 19 હજાર વોઈસ ઓવર પણ કર્યા અને ઘણી જાહેરાતોને અવાજ આપ્યો. અમીન સાયાનીએ ઘણી ફિલ્મોમાં નાના રોલ પણ કર્યા હતા. તેમનો ખનકતો અવાજ લાંબા સમય સુધી રેડિયોની ઓળખ બની રહ્યો.

એટલું જ નહીં, આજે પણ લોકો યુટ્યુબ જેવા માધ્યમો પર તેમના રેકોર્ડ કરેલા કાર્યક્રમો સાંભળે છે.લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ 19000 જિંગલ્સ અને વોઈસ ઓવરનો રેકોર્ડ તેમના નામે છે. લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને રાજ કપૂર જેવી હસ્તીઓ સાથેના તેમના ઈન્ટરવ્યુએ પણ તેમના ફેન ફોલોઈંગમાં ઘણો વધારો કર્યો હતો.

Shah Jina