કેનેડાનો ભાંડો ફૂટ્યો: વિદેશ જવાના શોખીઓ ચેતો જજો….કેનેડામાં ભારતના યુવાને કરી આત્મહત્યા – કારણ છે ધ્રુજાવી દે તેવું
ગુજરાત સહિત દેશભરમાંથી ઘણા યુવકો વિદેશમાં ભણવા અને કમાવવા માટે જતા હોય છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે, વિદેશમાં તેમની હત્યા થઇ જતી હોય છે અથવા તો તેઓ કોઇ કારણસર આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડામાં એક પંજાબી યુવકે આત્મહત્યા કરી લીધી. આર્થિક સંકડામણના કારણે યુવક માનસિક રીતે અસ્વસ્થ હતો. કેનેડામાં રહેતા તેના મિત્રોએ મૃતદેહને ભારત મોકલવાના પ્રયાસો શરૂ કર્યા છે. મૃતકની ઓળખ પટિયાલાના ગગ્ગા ગામના રહેવાસી અર્શદીપ વર્મા તરીકે થઈ છે.
મે 2019માં અર્શદીપ વર્મા સ્ટડી વિઝા પર કેનેડા ગયો હતો. અહીં તે ઓન્ટારિયોની કેમ્બ્રિજ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ કોરોનાના સમયગાળાથી તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બન્યો અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના સમયગાળાને કારણે, કેનેડામાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે, જેના કારણે પંજાબીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
યુવાનોના 9 થી 12 લાખ રૂપિયા માટી થઇ ગયા છે. તેથી યુવાનોએ ભારત સરકાર પાસે માંગણી કરી છે કે તેમના પૈસા પરત કરવામાં આવે. થોડા દિવસો પહેલા, કેનેડામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ થયા બાદ ભારત પરત ફરેલા કેટલાક યુવાનોએ રણજીત એવન્યુ પરની એક ખાનગી સંસ્થાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેમણે કહ્યું કે તેણે 12 લાખ રૂપિયા ખર્ચીને કેનેડિયન ઈન્સ્ટિટ્યૂટમાં અરજી કરી હતી, પરંતુ ઈન્સ્ટિટ્યૂટ બંધ થઈ ગયા અને તેને પરત આવવું પડ્યું. હવે તેમના પૈસા તેમને પરત કરવામાં આવે, જેથી તેઓ દેશમાં જ અભ્યાસ કરી શકે. જણાવી દઇએ કે, કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં આવેલી ત્રણ કોલેજોને ફંડિગ ન મળવાને કારણે બંધ કરવી પડી છે. ત્યાંની કોલેજમાં ભણતા એક ગુજરાતી વિદ્યાર્થીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે, તે મૂળ મહેસાણાનો છે અને તે CCSQ કોલેજમાં મેડિકલ ઓફિસર સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરી રહ્યો છે.

કોલેજને ફંડિંગ ન મળવાને કારણે તેને બંધ કરવી પડી છે. તે વિદ્યાર્થી આગળ કહે છે કે તે લગભગ 25 લાખ રૂપિયા ખર્ચીને ભણવા આવ્યો છે અને ક્યૂબેક પ્રાંતમાં ફ્રેન્ચ ભાષા વધુ પ્રિફર કરવામાં આવે છે, તેથી અહીં અંગ્રેજીમાં ચાલતી સરકારી અને ખાનગી કોલેજોને સરકારે ફંડિંગ આપવાની ના પાડી દીધી છે. જેને કારણે કોલેજોને તાળાં મારવાનો વારો આવ્યો છે.ભારતીય મૂળના તમામ વિદ્યાર્થીઓ મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં ભણેલા હોય છે અને અહીં પણ અંગ્રેજી માધ્યમમાં જ ભણતા હોય છે, પરંતુ અહીંની સરકાર ફ્રેન્ચ ભાષાને જ પ્રાધાન્ય આપે છે.

તે વિદ્યાર્થી આગળ કહે છે કે, 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે અને હવે તેમની પાસે માત્ર ત્રણ જ ઓપ્શન છે. જો વિદ્યાર્થીએ કેનેડામાં જ રહેવું હોય તો નિયમ પ્રમાણે તેમણે 150 દિવસની અંદર જ કોલેજ ચેન્જ કરવી પડશે. બીજો રસ્તો એ છે કે ભારત પરત ફરવું પડશે અને ત્રીજો રસ્તો એ છે કે વિઝિટર વિઝા પર સ્ટડી પૂરું કરવાનો ! ત્યારે વિદ્યાર્થીએ કહ્યુ કે, તેમની હાલત અત્યારે એવી થઇ ગઇ છે કે, ‘ન ઘરના, ન ઘાટના’…તમામ વિદ્યાર્થીઓની માગ એટલી જ છે કે તેમનું શિક્ષણ પૂરું કરવામાં આવે. આ મામલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી કોઈ નિર્ણય લે.’