પુણેનો ખેડૂત ટામેટા વેચી બની ગયો કરોડપતિ : 1 મહિનામાં 13000 કેરેટ ટામેટા વેચી કમાયા 1.5 કરોડ, જાણો આખી કહાની
Maharashtra farmer becomes millionaire in a month : એક તરફ ટામેટાંના ભાવને કારણે ખિસ્સા ઢીલા પડી રહ્યા છે તો બીજી તરફ મહારાષ્ટ્રના પુણેના એક ખેડૂતને લોટરી લાગી છે. પુણેના નારાયણગંજમાં રહેતા ખેડૂત તુકારામ ભગોજીએ એક મહિનામાં 13,000 કેરેટ ટામેટાં વેચીને રૂ. 1.5 કરોડની કમાણી કરી છે. તુકારામ પાસે 18 એકર ખેતીની જમીન છે અને તેમાંથી તે 12 એકરમાં તેણે તેના પુત્ર ઇશ્વર અને પુત્રવધૂ સોનાલીની મદદથી ટામેટાં ઉગાડ્યા. પરિવારે જણાવ્યું કે તેઓ સારી ગુણવત્તાના ટામેટાં ઉગાડ્યા અને ખાતર અને જંતુનાશકો વિશેની જાગૃતિએ પાકને બચાવવામાં મદદ કરી.
એક દિવસમાં 18 લાખની કમાણી
નારાયણગંજમાં શુક્રવારે ખેડૂતે કુલ 900 કેરેટ ટામેટાંનું વેચાણ કર્યું હતું. તેને એક કેરેટ માટે 2100 રૂપિયાનો દર મળ્યો હતો. આનાથી એક દિવસમાં 18 લાખ રૂપિયાની કમાણી થઈ. ગયા મહિને પણ તુકારામે 1000 થી 2400 રૂપિયા પ્રતિ ક્રેટમાં ટામેટાંનું વેચાણ કર્યું હતું.પુણેના જુન્નર શહેરમાં ટામેટાના ઘણા ખેડૂતો હવે કરોડપતિ બની ગયા છે.
પુત્રવધૂ અને પુત્રની મદદથી ઉગાડે છે ટામેટાં
તુકારામની પુત્રવધૂ સોનાલી ટામેટાંનું વાવેતર, કાપણી અને પેકેજિંગ સંભાળે છે. જ્યારે તેમનો પુત્ર ઈશ્વર ટામેટાંનું વેચાણ, સંચાલન અને નાણાકીય આયોજન કરે છે. પરિવારનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનાની તેમની મહેનત રંગ લાવી છે.
કર્ણાટકના ખેડૂતે પણ 38 લાખ રૂપિયાની કમાણી કરી
ખેડૂતો ટામેટાં વેચીને કરોડપતિ બનવાની કહાની માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નથી. કર્ણાટકના કોલારમાં એક પરિવારે આ અઠવાડિયે ટામેટાંના 2000 બોક્સ વેચીને 38 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ ઉપરાંત ચંદીગઢના છૂટક બજારોમાં સોમવાર-મંગળવારે ટામેટાની કિંમત 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી, જોકે તે હજુ પણ 200 રૂપિયાની ઉપર છે અને ગાઝિયાબાદમાં તેની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. દેશમાં મોટાભાગના સ્થળોએ ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
છેલ્લા 3 વર્ષથી વરસાદમાં પણ ટામેટાંના ભાવમાં વધારો થવાનો ટ્રેન્ડ
છેલ્લા ત્રણ વર્ષમાં વરસાદની સિઝનમાં ટામેટાંના ભાવમાં વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે એટલે કે જૂન 2022માં ટામેટાંની કિંમત 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. અગાઉ 2021માં કિંમત 100 રૂપિયા સુધી પહોંચી હતી અને 2020માં કિંમત 70-80 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ હતી.
સમિતિએ એક મહિનામાં 80 કરોડનો બિઝનેસ કર્યો
નારાયણગંજ સ્થિત ઝુન્નુ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીના માર્કેટમાં સારી ગુણવત્તાના ટમેટાના કેરેટનો ભાવ 2,500 હતો. સમિતિએ એક મહિનામાં ટામેટાં વેચીને 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આનાથી વિસ્તારની 100થી વધુ મહિલાઓને રોજગારી પણ મળી છે.તુકારામ ઉપરાંત પુણે જિલ્લાના જુન્નર શહેરમાં ઘણા ખેડૂતો એવા છે જેઓ ટામેટાંની ખેતી કરીને કરોડપતિ બન્યા છે.
ચીન પછી ભારત સૌથી વધુ ટામેટા ઉત્પાદક દેશ
નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અનુસાર, ભારત ચીન પછી વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ટામેટા ઉત્પાદક દેશ છે. તે લગભગ 7.89 લાખ હેક્ટર વિસ્તારમાંથી લગભગ 20 મિલિયન ટન ટામેટાંનું ઉત્પાદન કરે છે, જેની સરેરાશ ઉપજ લગભગ 25.05 ટન પ્રતિ હેક્ટર છે. ચીન 56 મિલિયન ટન ઉત્પાદન સાથે ટોચ પર છે.ભારતે વર્ષ 2021-22માં 20 મિલિયન ટનથી વધુ ટામેટાંનું ઉત્પાદન કર્યું હતું. અહીં મુખ્યત્વે બે પ્રકારના ટામેટાં ઉગાડવામાં આવે છે. હાઇબ્રિડ અને સ્થાનિક. મધ્યપ્રદેશ દેશનું સૌથી મોટું ટામેટા ઉત્પાદક રાજ્ય છે. આ પછી, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા અને ગુજરાત સૌથી વધુ ટામેટા ઉગાડતા રાજ્યોમાં સામેલ છે.