સની દેઓલ-અજય દેવગનને હિટ્સ આપનાર આ મોટી હસ્તીનું થયું નિધન, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. 90 અને 2000ના દાયકાની શરૂઆતમાં બોલિવૂડની ઘણી લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ કરનાર નિર્માતા ધીરજલાલ શાહનું સોમવારે નિધન થયું. તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ઈન્ડિયન ફિલ્મ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધીરજલાલ શાહના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.
ધીરજલાલના ભાઈએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું- ‘તેમને કોરોના થયો હતો, જે પછી તેમને ફેફસામાં સમસ્યા થઈ ગઇ હતી. છેલ્લા 20 દિવસમાં તેમની તબિયત ખૂબ જ બગડી અને ICUમાં દાખલ કરવા પડ્યા. કિડની અને હૃદય પર પણ અસર થઈ રહી હતી, જેના કારણે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થઈ ગયા.
ધીરજ લાલે અનિલ શર્માની ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ પ્રોડ્યુસ કરી હતી. જેમાં સની દેઓલ, પ્રીતિ ઝિંટા અને પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું. તેમણે સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘કૃષ્ણા’, ગોવિંદાની ‘ગેમ્બલર’ અને અજય દેવગન સ્ટારર ‘વિજયપથ’ પણ પ્રોડ્યુસ કરી હતી. આ તમામ ફિલ્મો એવી છે જે તેમના સમયમાં દર્શકોમાં ઘણી લોકપ્રિય થઇ હતી.
આ ફિલ્મોએ ઘણી કમાણી પણ કરી હતી. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ધીરજ લાલ શાહનું 11 માર્ચે નિધન થયું હતુ અને આજે એટલે કે મંગળવારે 12 માર્ચે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ધીરજ લાલ શાહના પરિવારમાં તેમની પત્ની મંજુ અને બે પુત્રીઓ શીતલ, સપના, પુત્ર જિમિત અને પુત્રવધૂ પૂનમ છે. તેમના આકસ્મિક અવસાનથી ઇન્ડસ્ટ્રી શોકમાં છે.