ગર્ભવતી બની પાલતુ શ્વાન તો પરિવારે રાખી પૂજા, બંગડી પહેરાવીને કરી સીમંતની વિધિ, મહેમાનો માટે રાખ્યો જમણવાર, જુઓ વીડિયો

શ્વાન અને માણસ વચ્ચેનો પ્રેમ અને સંબંધ વર્ષો જૂનો છે, સોશિયલ મીડિયા અને વાર્તાઓમાં પણ શ્વાનની વફાદારીની ઘણી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ, ત્યારે પોતાના પાલતુ શ્વાનના નામે ઘણા લોકો પોતાની આખી પ્રોપર્ટી પણ કરી દેતા હોય છે એવી ઘટનાઓ પણ તમે સાંભળી હશે, તો ક્યાંક પાલતુ શ્વાનનો જન્મ દિવસ પણ ખુબ જ ધામધૂમથી ઉજવતા લોકોને પણ તમે જોયા હશે.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવી ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય. એક પરિવારે પોતાના ફિમેલ ડોગના ગર્ભવતિ થયા બાદ તેનું સીમંત રાખવાનો નિર્ણય કરો અને ખુબ જ ધામધૂમથી તેનો ખોળો ભરવાનો પ્રસંગ પણ યોજવામાં આવ્યો.

આ વીડિયો સામે આવ્યો છે તામિલનાડુમાંથી. આ વીડિયોમાં એક પરિવાર તેમના ગર્ભવતી શ્વાન માટે એક હેરાન કરી દેનારું કામ કરે છે. હકીકતમાં પરિવાર તેમની ગર્ભવતી શ્વાન માટે સીમંતની વિધિનું આયોજન કરે છે. એટલું જ નહીં, આ પ્રસંગે પરિવારના તમામ સભ્યો ભેગા થાય છે અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે.

મેટ્રો નામની એક ન્યૂઝ વેબસાઈટે તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર તેનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખો પરિવાર ગર્ભવતી શ્વાનના બેબી શાવરની વિધિ કરી રહ્યો છે. આ દરમિયાન પરિવારના સભ્યોએ પણ ગર્ભવતી મહિલાની જેમ શ્વાનને બંગડી પહેરાવીને પૂજા કરી હતી. આ સાથે પરિવારના સભ્યો સગર્ભા શ્વાનને ચાંદલો લગાવીને હાર પહેરાવતા જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પૂજા બાદ ગર્ભવતી શ્વાનને પાંચ પ્રકારના ચોખા ખવડાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને ઝડપથી શેર કરી રહ્યા છે. તમે પરિવારના સભ્યોને તેમના ગર્ભવતી શ્વાનને ડબ્બુ કહેતા સાંભળી શકો છો. પરિવારના સભ્યો હવે તેમના શ્વાનના સ્વસ્થ બાળકોની રાહ જોઈ રહ્યા છે. સગર્ભા શ્વાનના બેબી શાવરના પ્રસંગે પરિવારના સભ્યો પણ ઉગ્ર ઉજવણી કરતા જોવા મળે છે.

સીમંતની વિધિ મુજબ સગર્ભા શ્વાનની સાથે પરિવારના સભ્યો માટે પણ જમવાનું તૈયાર કરવામાં આવ્યુ હતુ. પરિવારના સભ્યોએ જાતે જ સગર્ભા શ્વાનને પોતાના હાથે પ્રસાદ ખવડાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel