સવાણી ગ્રુપ દ્વારા યોજાઇ રહેલા દીકરીઓના ભવ્ય લગ્નનો સમારોહને લઇને પાંચ હજારથી વધુ દીકરીઓએ મૂકાવી મહેંદી, તસવીરો અને વીડિયો આવ્યા સામે

સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને લોકો દીકરીઓના પાલક પિતા તરીકે વધુ ઓળખે છે, મહેશ સવાણીએ અત્યાર સુધી કેટલીય પિતા વગરની અનાથ દીકરીઓના પાલક પિતા બનીને તેમનું કન્યાદાન કર્યુ છે અને તેઓ ઘણા આ સેવાકીય કાર્યો પણ કરે છે, જેના કારણે લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. દર વર્ષે પીપી સવાણી ગ્રુપ દ્વારા દીકરીઓના ભવ્ય લગ્નનો સમારોહ યોજાતો હોય છે.

ત્યારે પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 300 દીકરીઓના લગ્ન આગામી તા 24 અને 25 ડિસેમ્બર શનિ-રવિના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાવાના છે. શનિવાર અને રવિવારના રોજ બે દિવસ 150-150 લગ્ન થશે અને સેવાના આ યજ્ઞ જેવા ઉદ્દાત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે પી.પી.સવાણી પરિવાર સાથે જાનવી લેબગ્રોન ગ્રુપના લખાણી પરિવાર જોડાયો છે.

ગુરુવારના રોજ સવારથી અબ્રામાગામ પીપી સવાણી ગ્રુપ આયોજિત લગ્નોત્સવની મહેંદી સેરેમની યોજાઇ, જેમાં આશરે 5000થી વધુ બહેનોએ મહેંદી મુકાવી હતી. આ લગ્નમાં બે ખ્રિસ્તી અને ત્રણ મુસ્લિમ દીકરીઓ પણ પોતાની વિધિ મુજબ લગ્ન કરવાની છે. આ સિવાય 56 જ્ઞાતિની દીકરીઓ આ સમારોહમાં પ્રભુતાના પગલાં ભરશે. ગુજરાત સિવાયની પણ અનેક દીકરીઓને આ લગ્ન સમારોહમાં લાભ આપવામાં આવ્યો છે,

જેમાં યુપીની બે અને એમપીની બે સહિત અલ્હાબાદની એક અને મરાઠી અને પાંચ દીકરીઓના લગ્નની જવાબદારી પી પી સવાણી ગ્રુપ દ્વારા ઉપાડવામાં આવી છે. આ ઉપરાંત એક દિવ્યાંગ દીકરી પણ આ લગ્ન સમારોહમાં લગ્નગ્રંથીથી જોડાશે. આ દીકરી મૂકબધિર છે અને તેની જાન આણંદ જિલ્લામાંથી આવવાની છે. દસેક વર્ષ પહેલા તેના પિતાનું રોડ અકસ્માતમાં મોત થયુ ગતુ અને તે ત્યારેન નવસારી અભ્યાસ કરી રહી હતી.

ધોરણ 12માં કોરોનામાં સ્કૂલ છૂટ્યા બાદ તેણે બીજો અભ્યાસ કર્યો નહોતો. ત્યારે તેની માતાને તેના લગ્નની ઘણી મોટી જવાબદારી આવી પડી હતી. તેમના દ્વારા આ પી પી સવાણીમાં સમૂહ લગ્ન આયોજનમાં લગ્ન કરવાની તક મળતા તેની માતા અને તેની બહેને મહેશ સવાણી નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Shah Jina