ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે તેમણે અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં રોડ શો કર્યો અને અનેક લોકાર્પણ કર્યા. પીએમ ગાંધીનગરથી વંદે ભારતમાં કાલુપુર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને કાલુપુર મેટ્રો સ્ટેશનેથી મેટ્રોમાં જ બેસી થલતેજ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે દૂરદર્શન ટાવર પાસે જાહેર સભાને સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતુ કે, અમદાવાદીઓ હિસાબ લગાવે કે રિક્ષામાં જઉં તો કેટલા પૈસા અને કેટલો ટાઇમ લાગે, કેટલી ગરમી લાગે એટલે તરત મેટ્રોમાં આવી જાય.
પીએમે આ દરમિયાન એવું પણ કહ્યુ હતુ કે, એક જમાનામાં હું અમદાવાદનો રિક્ષાવાળો ગીત ગવાતું, હવે હું મેટ્રોવાળો એવું ગવાશે. તેમણે જાહેર સભામાં વધુમાં કહ્યું હતુ કે, શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને મેં જાણ કરી હતી કે મેટ્રોમાં તમને સૌથી વધુ રિટર્ન અમદાવાદીઓ જ આપશે. પ્રધાનમંત્રીએ 4 સફળ મહિલા આંત્રપ્રિન્યોર સાથે પણ સંવાદ કર્યો હતો. અને સ્વદેશી રમકડાંના પ્રોજેક્ટ વિશે, મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્થાનિક મટીરિયલમાં કાપડ, માટી, પેપરના ઉપયોગથી વૈશ્વિક સ્તરના રમકડા બનાવવા પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે. પીએમ માટે પણ એસપીજીએ આખા રોડને સેનિટાઈઝ કરી દીધો હતો, રસ્તાની બંને બાજુએ બેરિકેડ રાખી દેવામાં આવ્યા હતા કારણ કે સુરક્ષા એજન્સીઓને પણ ખબર છે કે મોદી રોડ શો કરશે તો રોડની બંને બાજુ હજારો લોકો ઉમટી પડશે, તેથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ તમામ વ્યવસ્થા સ્થગિત કરી દેવામાં આવી હતી. જનતા બેરિકેડ ઓળંગીને રોડ પર આવી ગઈ હતી. લોકો ડિવાઈડર પર પણ ઉભા હતા

અને લોકો એટલા નજીક હતા કે તેઓ વડાપ્રધાનની કારને અડકી શકે પરંતુ કોઈએ કંઈ ખોટું કર્યું નહોતુ. એવું લાગી રહ્યું હતું કે જાણે પીએમ મોદીનો કાફલો કોઈ શેરીમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા. વડાપ્રધાનની કાર પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતના લોકોના આ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે લોકો જે પ્રેમ આપી રહ્યા છે તે પણ સુદ સમેત પરત કરવામાં આવશે, 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે દર્શાવવામાં આવશે.