ગિફ્ટ સિટી દારુ છૂટનો મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ, “જો આપવી જ હોય તો આખા ગુજરાતમાં..”

શું ગિફ્ટ સિટીમાં જામ નહિ છલકાવી શકાય ? સામાજિક કાર્યકરે હાઇકોર્ટમાં પડકાર્યો સરકારનો નિર્ણય

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં જ્યારથી દારૂબંધી હટી છે ત્યારથી આ મામલો ચર્ચામાં છે. ઘણા લોકો આ નિર્ણના સમર્થનમાં છે તો ઘણા વિરોધ કરી રહ્યા છે. જો કે, કેટલાક તો એવા હશે કે જે સપના જોતા હશે કે ગિફ્ટ સિટીમાં જઈને તેઓ દારૂ પીશે. પણ ગિફ્ટી સિટીમાં દારૂની છૂટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સરકારના નિર્ણયને પડકારતી હાઇકોર્ટ સમક્ષ જે રિટ પિટિશન દાખલ કરાઈ છે, તેમાં દારૂની છૂટછાટનો સરકારનો નિર્ણય પરત લેવા આદેશ કરવામાં આવે તેવુ કહેવાયું છે.

આ ઉપરાંત એવું પણ જણાવાયુ છે કે જો ગુજરાતમાં દારૂબંધી દૂર કરીવામાં આવશે તો મહિલાઓ સામેના ગુના અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ સંબંધિત ગુનામાં વધારો થઇ શકે છે.ઈરફાને અરજીમાં કહ્યું છે કે ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ અવારનવાર દારૂ ઝડપાતો હોય છે અને જે રાજ્યોમાં દારુની છૂટ છે ત્યાં મહિલાઓ પર સૌથી વધુ અત્યાચારો થતાં હોય છે. ધનવાનોના લાભ અર્થે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે.

જો સરકાર દારૂ પર પ્રતિબંધ હટાવવા માંગે છે તો આદિજાતિ વિસ્તારમાં તેની ફેક્ટરી નાખે જેને કારણે ગરીબ આદિજાતિના લોકોને પણ આવક થાય. જણાવી દઇએ કે, 22 ડિસેમ્બર 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને ત્યાં આવતા આમંત્રિત મહેમાનો માટે દારૂની છૂટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ મામલે ગીર સોમનાથના સામાજિક કાર્યકર ઈરફાન ભગાણીએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે રિટ દાખલ કરી.

દારૂના પ્રતિબંધમાં છૂટછાટ શ્રીમંતોને લાભ પહોંચાડવા અને રિઅલ એસ્ટેટના ભાવમાં વધારો કરવા માટે અપાઇ છે. 500 કરોડની પ્રોપર્ટીની ડીલ થઈ ચૂકી છે અને 108 કરોડની મેમ્બરશીપ રજિસ્ટર થઈ ચૂકી છે. સરકારે દારૂની છૂટ આપી મોનોપોલી ઉભી કરી રહી છે. અરજદારે અરજી વધુમાં જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, અને તેમ છતાં પણ દારૂ અવાર નવાર ઝડપાતો હોય છે. દારૂને લઈને ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. સરકારે ગિફ્ટ સિટીને લઈને પરિપત્ર જાહેર કરીને ત્યાંની પ્રોપર્ટીના ભાવ વધારવા માટેનું કામ કર્યું છે.

Shah Jina