પૈસાની જરૂર હોય તો LIC પોલિસી પર લઈ શકો છો લોન, હપ્તા પણ નહીં ભરવા પડે

કોરોનાકાળમાં LIC કરશે તમારી આર્થિક સંકડામણ દૂર

કોરોનાકાળમાં પર્સનલ લોનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાને કારણે લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. LIC પોલિસી પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે એક વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમારી પાસે LIC પોલિસી છે, તો તમે ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન લઈને તમારી જરૂરિયાતો પૂરી કરી શકો છો. તમને જણાવી દઈએ કે એલઆઈસી તરફથી પર્સનલ લોન માત્ર એન્ડોવમેન્ટ પોલિસી સામે જ લઈ શકાય છે. દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેના ગ્રાહકોને પર્સનલ લોનની સુવિધા આપી રહી છે. જો તમે પણ LIC પોલિસી ખરીદી છે, તો તમે પ્રીમિયમની રકમ સામે લોન લઈ શકો છો.

લોન કોણ લઇ શકે? : LIC પોલિસી સામે લોન લેવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. આ સિવાય, તમારી પાસે LIC પોલિસી હોવી જોઈએ. લોન માટે અરજી કરતા પહેલા ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે પ્રીમિયમ ચૂકવેલુ હોવુ જોઈએ. અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આ શરતો પૂરી કરનાર અરજદારો પર્સનલ લોન માટે અરજી કરી શકે છે.

કેટલી લોન મળી શકે? : તમે પોલિસીના સરેન્ડર વેલ્યુના મહત્તમ 90% સુધી લોન લઇ શકો છો. જો તમારી LIC પોલિસી પેડઅપ છે, તો તમે સરેન્ડર વેલ્યુના 85% સુધી જ લોન લઈ શકો છો. LIC પોલિસી પર ઓછામાં ઓછા 6 મહિના માટે લોન મળે છે. સૌથી સારી વાત એ છે કે તમારે લોન ચૂકવવાની જરૂર નહીં પડે. પોલિસીની પરિપક્વતા(policy mature) પર, કંપની લોનની રકમ કાપી લેશે અને બાકીની રકમ તમને પરત કરશે. તમારે માત્ર લોન પર વ્યાજ ચૂકવવું પડશે.

કેવી રીતે અરજી કરવી? : લોન મેળવવા માટે તમારે LIC ની ઓફિસ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા પણ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. LIC તેની વેબસાઈટ પર આ સુવિધા પૂરી પાડે છે. જો તમે આ સુવિધાનો લાભ લેવા માંગતા હો, તો તમેhttps://www.licindia.in/home/policyloanoptionsની મુલાકાત લઈને અરજી કરી શકો છો.


લિંકની મુલાકાત લીધા બાદ તમને ઓનલાઇન લોન અરજીની સુવિધા મળશે. અહીં ક્લિક કરીને, તમારે વિનંતી કરેલી માહિતી ભરવી પડશે. આ પછી એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ તે જ ફોર્મ છે જે તમે ઓનલાઈન ભર્યું છે. ડાઉનલોડ કર્યા પછી આ ફોર્મ સંપૂર્ણપણે ભરેલુ હશે અને સહી કર્યા પછી તેને LIC ની વેબસાઈટ પર ફરીથી સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. અપલોડ કરતા જ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ પછી LIC તમને લોન આપવાની પ્રક્રિયા શરૂ કરે છે. LIC ગ્રાહકના બેંક ખાતામાં ઓનલાઇન લોનના પૈસા ટ્રાન્સફર કરી દે છે.

Patel Meet