આ વ્યક્તિના ખાતામાં બેંકની ભૂલના કારણે આવી ગયા લાખો રૂપિયા, જાણો શા માટે કરી એ વ્યક્તિની ધરપકડ ?

તમારા બેંક ખાતાની અંદર અચાનક લાખો રૂપિયા આવી જાય તો તમને કેવું લાગે ? જાણીને જ હેરાન રહી જાઓ અને ખુશી પણ થઇ જાય, પરંતુ એ પૈસા તમે વાપરી નાખો અને પછી ખબર પડે કે કોઈની ભૂલના કારણે તમારા ખાતામાં આ પૈસા આવી ગયા હતા અને તે વ્યક્તિ તમારી પાસે પૈસા પાછા માંગે ત્યારે તમે શું કરી શકો ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવી જ એક ઘટના હાલ સામે આવી છે. બિહારમાં એક વ્યક્તિના ખાતામાં ભૂલથી આવેલા પૈસા આપવાની તે વ્યક્તિએ ના પાડી દીધી. આ વ્યક્તિએ પૈસા પાછા આપવા માટે જોરદાર તર્ક પણ અપનાવ્યો. તેને કહ્યું કે આ પૈસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના ખાતામાં મોકલ્યા છે. આ વ્યક્તિના ખાતામાં બેંકની ભૂલના કારણે 5.5 લાખ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. તે વ્યક્તિનું નામ રણજિત દાસ છે.

આ વ્યક્તિ પાસેથી પૈસા પરત લેવા માટે બેંક દ્વારા પણ ઘણી નોટિસ મોકલવામાં આવી છતાં પણ આ વ્યક્તિએ પૈસા પરત આપવાની ના કહી દીધી. રણજિત દાસે કહ્યું કે, “જયારે મને આ વર્ષે માર્ચ મહિના પૈસા મળ્યા ત્યારે હું ખુબ જ ખુશ હતો. મેં વિચાર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જેનો પહેલો હપ્તો હોઈ શકે છે.”

તેને આગળ જણાવ્યું કે, “મેં બધા જ પૈસા વાપરી નાખ્યા છે. હવે મારા બેંક ખાતામાં પૈસા નથી.” તો આ બાબતે પોલીસ ઇન્ચાર્જ દિપક કુમારનું કહેવું છે કે, “બેંક મેનેજરની ફરિયાદ ઉપર અમે રણજિત દાસની ધરપકડ કરી લીધી છે. અને આગળ તપાસ ચાલુ છે.”

Niraj Patel