વડોદરા: ભોજન લીધા બાદ બાળકો સહિત 100થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર, હોસ્પિટલમાં અફરા તફરી

ધાર્મિક પ્રોગ્રામમાં ભોજન લીધા બાદ 123 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા સીધા હોસ્પિટલ ભેગા થયા, જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં વડોદરાના પાદરામાં ડોક્ટર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જ ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે. પાદરાના ગોવિંદપુરામાં ધાર્મિક પ્રસંગમાં ખીર ખાવાને કારણે બાળકો સહિત 100થી વધુ લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થઇ હતી અને ઘટનાને લઇને હોસ્પિટલમાં અફરાતફરી પણ મચી જવા પામી હતી.

ખીર ખાવાથી તબિયત બગડતાં લોકોને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોની હાલત ખરાબ હોવાને કારણે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આરોગ્યતંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

ઘટનાની જાણ વડોદરા જિલ્લા કલેક્ટર થતા તેઓ પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જો કે હાલ તો તમામની હાલત ખતરા બહાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાદરામાં આવેલ ગોવિંદપુરા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકો માટે અહીં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને અહીંં ભોજન લીધા બાદ લોકોની તબિયત લથડવા લાગી હતી. 123 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો કે, સદનસીબે આ ઘટનામાં એક પણ દર્દીનું મોત થયુ નથી. એવું કહેવાઇ રહ્યુ છે કે, આ ધાર્મિક કાર્યક્રમમાં ખીર ખાવાને કારણે ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ ટીમો તાત્કાલિક કામે લાગી ગઇ હતી. પાદરા તાલુકા હેલ્થ ઓફિસર અનુુસાર, ગોવિંદપુરા ખાતે હોમિયોપેથિક ડો. અબુબકર અલીકત સૈયદને ત્યાં પ્રસંગ હતો

અને અહીં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પ્રસંગમાં ખીર ખાવાના કારણે લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ બનાવ અંગે અસરગ્રસ્ત ગોવિંદપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવશે.

Shah Jina