પાટણના ઉંદરા ગામના લોકોએ ભર્યુ ગામની દીકરીના લગ્નમાં 7 લાખથી વધુનું મામેરું

મારી દીકરીનું કોણ ભરશે મામેરુ? માતાએ રડતી આંખે વાત કરી તો પાટણના ગામમાં 7 લાખથી વધુનું મામેરું ભર્યું, જુઓ તસવીરો

પાટણના સરસ્વતી તાલુકામાં આવેલ ઉંદરા ગામ દ્વારા તાજેતરમાં જ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યુ, ઉંદરા ગામની દીકરીના લગ્ન કલાણા ગામમાં થયા હતા, આ મહિલાએ તેના પિયર ઉંદરા ગામે આવી દીકરીની કંકોત્રી મંદિરમાં મુકી આમંત્રણ આપ્યું અને રડતાં-રડતાં બહાર નીકળી. આ દરમિયાન ગામના કેટલાક લોકોએ તેને કારણ પુછ્યું તો મહિલાએ કહ્યું કે મારી દીકરીના લગ્ન છે અને મારે કોઇ ભાઇ નથી મારી દીકરીનું મામેરું કોણ ભરશે?

આગળ મહિલાએ કહ્યુ- તમે 25 રૂપિયા અને શ્રીફળ લઇને મારી દીકરીના લગ્નમાં આવશો ?આટલું કહેતા કહેતા તો મહિલા રડી પડી. મહિલાની વાત સાંભળી આખું ઉંદરા ગામ એક થયું અને 7 લાખથી વધુ એકત્ર કરી મામેરું ભર્યું. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના ગીતાબેન ઠાકોરના લગ્ન કલાણા ગામમાં થયા હતા. લગ્ન બાદ માતા-પિતા અને ભાઇનું નિધન થતા ઉંદરા ગામમાં પરિવારનું કોઇ ન હતું.

જો કે, વર્ષો વિત્યા પછી દીકરી શિલ્પાના લગ્ન લેવાયા અને ગીતાબેનને એક મુઝવણ અંદરથી કોરી ખાતી હતી કે મારી દીકરીના લગ્ન છે અને તેને મોસાળમાં કોઇ નથી. મામેરું કોણ ભરશે. આ મુંઝવણ સાથે ગીતાબેન પોતાની દીકરીની કંકોત્રી લઇને ઉંદરા ગયા અને ગામમાં આસ્થાના કેન્દ્ર સમા ક્ષેત્રપાળ વીર દાદાના મંદિરે ગયા. અહીં તેમણે દીકરીની લગ્નની કંકોત્રી મંદિરમાં મુકી અને લગ્નમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું.

આંખમાં આસું સાથે ગીતાબેન મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યારે કેટલાક ગ્રામજનોએ તેમને રડવાનું કારણ પૂછ્યું તો ગીતાબેને જણાવ્યું કે, હું ગામની દીકરી છું. મારે પિયરમાં કોઇ નથી અને મારી દીકરીના લગ્ન છે. મારી દીકરીનું મામેરું કોણ ભરશે એ ચિંતા મને ખાઇ રહી છે. મારા મનની મુંઝવણ જણાવવા માટે દાદાના દ્વારે આવી છું. ગીતાબેને રડતાં રડતાં ગ્રામજનોને કહ્યું કે, તમે 25 રૂ. કે એક શ્રીફળ લઇને પણ મારી દીકરીના લગ્નમાં આવશો ? મારી દીકરીનુ મામેરું કરશો?

આ પછી ગ્રામજનો એકઠાં થયા અને પોતાની શક્તિ પ્રમાણે રકમ આપી ગીતાબેનની દીકરીનું મામેરું કરવાનું નક્કી કર્યું. જો કે જોત-જોતામાં તો 7 લાખથી વધુની રકમ એકત્ર થઇ ગઇ. ઉંદરા ગામમાં જાણે કે કોઇ ઉત્સવ હોય તેમ ગ્રામજનો ઢોલ-નગારા સાથે ડીજેના તાલે ઝુમતા ઝુમતા કલાણા ગામ મામેરું લઇને પહોંચ્યા. આ દરમિયાન ગીતાબેન અને તેમની દીકરી શિલ્પા તેમજ ઉપસ્થિત સૌ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.

Shah Jina