ફલાઇટ પકડવા માટે યાત્રીઓએ કર્યો જુગાડ, ટ્રેકટરમાં લદાઈને પહોંચ્યા એરપોર્ટ, વીડિયો થયો વાયરલ

જુઓ વીડિયોમાં ફલાઇટ પકડવા માટે યાત્રીઓએ કેવો જુગાડ કર્યો… આવું ફક્ત ભારતમાં જ જોવા મળે

હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. વરસાદના સમયમાં ઘરની બહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ખુબ જ મુશ્કેલ પણ બનતું હોય છે અને તેમાં પણ જો રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય તો પછી હાલત કેવી થાય એ આપણે બધા જ જાણીએ છીએ.

ઘણી જ જગ્યાએ તો પાણી એવી રીતે ભરાઈ જાય છે કે વાહન વ્યવહાર પણ બંધ થઇ જાય છે, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ના ટેક્સી વાળો તૈયાર થાય છે ના કોઈ રીક્ષા વાળો, કારણ કે તેમને ઊંડા પાણીમાં તેમના વાહન બગડી જવાની બીક હોય છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ હેરાન થઇ જશો.

આ વીડિયો સામે આવ્યો છે કર્ણાટકથી. જેની રાજધાની બેંગલુરુ એરપોર્ટ ઉપર ભારે વરસાદ પડવાના કારણે હાલત એવી બગડી કે હવાઈ યાત્રા કરવા વાળાને ટ્રેકટરમાં બેસી અને એરપોર્ટ પહોચવું પડ્યું. જો યાત્રિકો ટ્રેકટરનો સહારો ના લેતા તો તેમની ફલાઇટ પણ છૂટી જ જવાની હતી. ટ્રેકટરથી એરપોર્ટ ઉપર પહોંચવાનો આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

બેંગલુરુ શહેરના કેમપેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ ભારે વરસાદ થયો, આસપાસનો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો. એવામાં ગાડીથી પેસેન્જરને આગળ લઈ જવામાં ખતરો હતો. જેના કારણે ઊંચી ટ્રોલી વાળા ટ્રેકટર મુસિબતમાં ફસાયેલા યાત્રીઓ માટે મદદગાર બન્યા. યાત્રીઓ પોતાનો સામાન ટ્રેકટરમાં મૂકી અને એરપોર્ટ સુધી જતા જોવા મળ્યા.


વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે રોડ ઉપર બધે જ પાણી પાણી છે. ત્યારે ટ્રેકટર ત્યાં આવે છે અને એરપોર્ટ એરપોર્ટની બૂમો પાડી અને પેસેન્જરને ટ્રેકટરની ટ્રોલીમાં બેસાડે છે. ઘણા લોકો આ કામની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel