બોલિવૂડ સ્ટાર અને બીજેપી નેતા પરેશ રાવલના સાસુ અને અભિનેત્રી સ્વરૂપ સંપતની માતા ડૉ. મૃદુલા સંપતનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને તેમણે 3 એપ્રિલે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. મૃદુલાની પુત્રી અને પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપતે માતાના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 8 સપ્ટેમ્બર 1931ના રોજ જન્મેલા ડૉ. મૃદલા સંપતનું 3 એપ્રિલ 2023ના રોજ નિધન થયું છે. તેમણે શોકાકુલ પરિજનોની લિસ્ટમાં પોતાના અને પરેશ રાવલ સિવાય ભાઇ રાજનાથ સંપત અને ભાભી નેહાનું નામ લખ્યુ છે. આ સાથે પોતાના અને ભાઈના બાળકોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સ્વરૂપની પોસ્ટ જોયા બાદ તેના નજીકના મિત્રો અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ડૉ. મૃદલા સંપત ગુજરાતી થિયેટરના પીઢ કલાકાર બચ્ચુ સંપતના પત્ની હતા. તેમની દીકરી સ્વરૂપ તેમના સમયની પીઢ મોડેલ અને અભિનેત્રી રહી છે. સ્વરૂપે 1979માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને તે જ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વરૂપે વર્સેસ્ટર યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.
તેણે ‘નરમ ગરમ’ અને ‘નાખુદા’ જેવી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે. પરેશ રાવલની વાત કરીએ તો તે બોલીવુડ અને ગુજરાતી સિનેમાના પીઢ અભિનેતા છે. તેમણે 240થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે કાર્તિક આર્યન સ્ટારર ‘શહેજાદા’માં જોવા મળ્યા હતા, જે જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરેશરાવલની આગામી ફિલ્મોમાં ‘ડ્રીમ ગર્લ 2’, ‘ધ સ્ટોરીટેલર’, ‘આંખ મિચોલી’ અને ‘હેરા ફેરી 3’નો સમાવેશ થાય છે.